
સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી ગઈ હતી.આ આગ ત્રણ દિવસ ચાલી હતી. જેમાં 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. આગની લબકારા મારતી જ્વાળાઓ વેપારીઓની આંખમાં આંસૂઓ લાવી રહી હતી. પોતાનું સર્વસ્વ ગુમાવનારા વેપારીઓના આંસૂ લૂછવા માટે પોતાના હોમ ટાઉનમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડા પડ્યાં હતા. આગ લાગ્યાના છેક ત્રીજા દિવસે સાંજે હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જ્યારે સી આર પાટિલે તો ચોથા દિવસે માર્કેટની મુલાકાત લીધી હતી.
પોતાના જ હોમ ટાઉનમાં મોડા પડ્યા
સી આર પાટિલ અને હર્ષ સંઘવી બન્ને કદાવર નેતાઓ છે. બન્ને નેતાઓનો હોલ્ટ આ વિસ્તારના કાપડના વેપારીઓ પર છે. તેમ છતાં આ વિસ્તારમાં આગ લાગી ત્યારે બન્ને નેતાઓ ફરક્યાં પણ નહોતાં. પરંતુ છેક આગ કાબૂમાં આવી ગયા બાદ વેપારીઓની અને માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે વેપારીઓ પ્રત્યે ભલે સહાનુભૂતિ દર્શાવી હોય પણ ક્યાંકને ક્યાંક પોતાના જ હોમ ટાઉનલમાં આમ કરવા માટે મોડા પડ્યા હોવાનો વેપારીઓમાં અંદરખાને ગણગણાટ છે.
ભાજપ તરફથી મદદ
આ સમગ્ર ઘટનાનું હર્ષ સંઘવી, સી.આર પાટીલ, સહીતના મંત્રીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી મોટી અને પૈસાદાર ગણાતી ભારતીય જનતા પાર્ટી તરફથી રીલીફ ફંડમાં 11 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. ઉપરાંત સી આર પાટિલે કહ્યું કે, સમગ્ર ઘટનામાં મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી પણ ચિંતિત છે. માર્કેટમાં વેપારીઓને જે નુકસાન થયું છે તેનું ચોક્કસપણે ભરપાઈ પૂર્ણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ બિલ્ડર અથવા અન્ય કોઈ દ્વારા ઊભું કરવામાં આવ્યું હશે તો તેની સામે પણ ચોક્કસપણે પગલાં લેવામાં આવશે. માર્કેટની અંદર સંપૂર્ણપણે એફએસએલ ની ટીમ અને સ્ટેબિલિટી રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવામાં આવશે. 48 કલાક સુધી ચાલેલી આગ ફાયર વિભાગ માટે ખૂબ મુશ્કેલી હતી. પરંતુ ભયંકર આગને પહોંચી વળવા માટે ફાયરની ટીમ કાચી પડી છે.
ઉંઘતા 'ગોદળું પલડી' ગયું?
ગેરકાયદેસર બાંધકામ કે અન્ય કોઈ પણ ખામીઓ વિરુદ્ધ તમે ભલે પગલા લેવાની વાત કરી હોય પણ અહીં સવાલ એ થાય છે કે, અગાઉ પણ રાજ્યમાં આગની ઘણીબધી ઘટનાઓ બની ચૂકી છે. એમાંથી એક તો તક્ષશિલા કાંડ સુરતમાં જ બન્યો હતો. હજી એ ઘટનાની પીડાના આંસુ તો ભોગ બનનારની આંખમાંથી સુકાયા નથી. ત્યાં સુરતના વેપારીઓ માથે મોટી હોનારત આવી પડી છે, તેમ કહી શકાય. પરંતુ હંમેશા 'ગોદડું પલળી' ગયા પછી જ કેમ શાણપણ આવે છે. સરકાર કે તંત્રમાં કોઈ એવું જવાબદારીભર્યું નથી જે આ પ્રકારની નાની-નાની ખામીઓ કે ક્ષતિઓ પર ધ્યાન આપવાનું ચાલુ કરે અને તેના કારણે બનતી મોટી હોનારતો ટાળી શકાય?
ધારાસભ્ય અને કોંગ્રેસ કદાવર નેતાઓથી આગળ
શિવશક્તિ માર્કેટમાં આગ લાગી હોવાથી વેપારીઓ ખુવાર થઈ ગયા છે. તેમની આંખોમાં આંસૂ દેખાઈ રહ્યાં છે. ત્યારે વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી નાખ્યો હતો. સાથે જ કોંગ્રેસના નેતાઓએ પણ સહાયની માગ કરી નાખી હતી. આટલી મોટી દુર્ઘટના જોઈ સુરત હોમ ટાઉનના જ કદાવર નેતાઓ મોડા પડ્યા.
આગના બનાવો યથાવત
ઓર્કિડ ટાવરથી લઈને રઘુકુળ માર્કેટ હોય કે અન્ય માર્કેટો અવારનવાર આગના બનાવો બનતા રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવામાં આવતાં હોવાથી આગ એક પછી એક માર્કેટમાં પ્રસરી રહી છે. ટેક્સટાઈલ માર્કેટમાં યોગ્ય વેન્ટિલેશનનો પણ અભાવ જોવા મળે છે. સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓ છેક સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી પણ આગના બનાવો બની રહ્યાં છે. તો આ બધી સમસ્યાઓ પર કોણ ધ્યાન આપશે એ પણ એક મોટો સવાલ છે, કે પછી આ રીતે જ આગની ઘટનાઓ બનતી રહેશે, લોકો રડતા રહેશે, અને નેતાઓ-અધિકારીઓ સાંત્વના આપતા રહેશે.