સુરતના રિંગરોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ આગમાં ભસ્મીભૂત થઈ છે. ત્યારે આગ લાગ્યા બાદ માર્કેટ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. શિવશક્તિ માર્કેટના પ્રમુખ મીડિયાના કમેરાથી ભાગ્યા હતાં. બેઝમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે. તેને લઈને માર્કેટના પ્રમુખને સવાલો પૂછતા પ્રમુખ ઉભી પૂછડિયે ભાગ્યા હતાં. ટેક્સટાઇલ માર્કેટના ઉપર પણ પતરાનો ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યો છે.
પોલીસનું પંચનામું
માર્કેટમાં આગ બાદ પોલીસ દ્વારા અવે પંચનામું કરવામાં આવશે. FSL અને પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આગ કઈ કારણસર લાગી હતી તેની તપાસ કરવામાં આવશે. માર્કેટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અંદર જવા દેવા જેવું હશે તો અંદર મોકલવામાં આવશે.
રિપોર્ટ માટે તપાસ
સુરત SVNIT નાં પ્રોફેસર અતુલ દેસાઈ શિવ શક્તિ માર્કેટના બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરવા માટે આવી પહોંચ્યા છે. જેઓ અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગોમાં બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરી ચૂક્યા છે. તેઓ હવે શિવ શક્તિ માર્કેટના બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરી તેનો રિપોર્ટ તૈયાર કરશે. જે રિપોર્ટ 15 દિવસમાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે બીજીબાજુ શિવ શક્તિ માર્કેટના વેપારીઓ અંદર જવા માટે જીદે ચડ્યા છે. પરંતુ હવે નિયમ પ્રમાણે રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓને અંદર જવા માટે પરવાનગી આપવામાં આવશે.