સુરત શહેરમાં પહેલા જ વરસાદે નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ સામે હવે સ્થાનિક લોકોના સહેના બંધનો ટૂટી રહ્યાં છે. આ સ્થિતિ સામે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રવિવારના રોજ યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા વિશાળ ખાડાઓને ભાજપા શાસિત તંત્રની નિષ્ફળતા કહીને તેમાં ભાજપના ઝંડા લગાવ્યા હતા.
શાસકોના દાવા પોકળ સાબિત થયા
વિરોધ દરમિયાન ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યો અને ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા. કાર્યકરોનો આરોપ હતો કે, "રસ્તા નિર્માણમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે, જેના કારણે ઓછા વરસાદમાં જ રસ્તાઓ ખાડામાં ફેરવાઈ ગયા છે." યુથ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે, "શહેરના વિકાસના મોટા મોટા દાવાઓ કરવા વાળા શાસકોએ પાયાની સુવિધાઓ પણ આપી નથી. આવા રોડ બની રહ્યા છે કે, લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે."
આંદોલનની ચીમકી
વિરોધ પ્રદર્શન દરમિયાન ખાડાઓમાં સીમેન્ટ નાખીને ખાડા પૂરવાનું ઢાંક પિછોણા પણ અપનાવાયા, જેથી તંત્રને નિંદા કરતાં આંદોલનકારીઓએ કાર્ય પણ કર્યું હોવાનો સંદેશ આપ્યો.સુરતના ખરાબ રસ્તા અને તંત્રની જવાબદારી સામે આવા પ્રદર્શન હવે વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. યુથ કોંગ્રેસે તંત્રને ચેતવણી આપી છે કે જો યોગ્ય કામગીરી નહીં થાય તો શહેરવ્યાપી આંદોલન કરશે.