સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલ તાપી નદીનો બ્રિજ હાલ ગંભીર હાલતમાં છે. આ બ્રિજ અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે નં. 48 પર આવેલ છે અને દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે. જો કે, બ્રિજની હાલત હાલ એટલી બિસમાર બની ગઈ છે કે હવે તે જોખમરૂપ બની રહ્યો છે. બ્રિજના બે સ્લેબ વચ્ચે લગભગ 2 ફૂટ જેટલી મોટી જગ્યા (ગેપ) પડી ગઈ છે. અહીં છેલ્લા ઘણા સમયથી લોખંડની પ્લેટ મૂકીને કામ ચલાઉ વ્યવસ્થા કરાઈ છે. એ લોખંડની પતરા ઉપરથી હેવી ટ્રાફિક સતત પસાર થતો હોય, જેના કારણે વારંવાર પ્લેટ ખસી જતી હોય છે અને ટ્રાફિક જામ જેવી સમસ્યા ઊભી થતી રહે છે. વાહનચાલકો માટે આ સ્થિતિ ખૂબ જોખમભરી બની ગઈ છે. લોકો જીવના જોખમે બ્રિજ પાર કરી રહ્યા છે. સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓ દ્વારા અનેકવાર આ અંગે અધિકારીઓને રજુઆતો કરાઈ છે, છતાં હજુ સુધી કાયમી મરામત હાથ ધરાઈ નથી. આણંદના ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ રાજ્યમાં જૂના અને જોખમકારક બ્રિજની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કામરેજ તાપી નદીનો બ્રિજ પણ હવે કોઈ મોટું દુર્ઘટનાનું કારણ ન બને તે માટે તાત્કાલિક કામગીરી જરૂરી બની છે.