
જીએસટીના નિયમોનો ગેરકાયદે ઉપયોગ કરીને ભેજાબાજો દ્વારા અલગ અલગ રીતે કૌભાંડો ઉભા કરવામાં આવતાં હોય છે. ત્યારે રાજ્યભરમાં 145 જેટલી બોગસ પેઢીઓ ઉભી કરીને 1814 કરોડના બીલ બનાવવામાં આવ્યાં હતાં. આ કૌભાંડ સામે આવતાં સુરત ઇકો સેલ પોલીસે GST ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી છે.
ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો
આ બનાવમાં વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં GST ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચે સુરત ઇકો સેલ પોલીસને શોપવામાં આવી હતી. જે તપાસમાં ઇકો સેલ પોલીસે આરોપી મોહંમદ રઝા ગભરાણીની ઇકો સેલ પોલીસે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં હાલ પકડાયેલ આરોપી મોહંમદ સુલતાન મોહંમદ યુસુફ કાપડીયાનું નામ સામે આવ્યું હતું. સમગ્ર GST ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બીલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યો હતો.
આંકડાની છેતરપિંડી
ખોટા બીલો થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. જેમાં તપાસ કરતા કુલ રૂપિયા 1814 કરોડના ખોટા બિલો આરોપીઓ દ્વારા બનાવામાં આવ્યા હતાં. હાલ સમગ્ર મામલે ઇકો સેલ પોલીસે મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇકો સેલના ACP જી.એ.સરવૈયાએ કહ્યું કે, આ કેસમાં મોહંમદ રઝા ગભરાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જેલમાં છે. રઝાની પૂછપરછમાં મુંબઇનો સુલતાન કાપડીયા અને ઇમરાન પણ આ કૌભાંડમાં સામેલ હોવાની માહિતી મળી હતી. હવે સુલતાન કાપડીયાની ધરપકડ બાદ ઇમરાન અને અન્ય આરોપીઓ સામે પણ તપાસનો કરવામાં આવશે. પોલીસ તપાસમાં હજુ વધુ મોટા આંકડાની છેતરપિંડી બહાર આવી શકે છે.