ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનો ખુલ્લેઆમ વેપાર તો સામે આવે જ છે. પરંતુ, હવે તો યુવાધન ડ્રગ્સના રવાડે ચઢ્યું છે. દરિયાકિનારેથી લાખો અને કરોડોના જથ્થાની જપ્તી બાદપણ લોકો સુધી આ નશાકારક પદાર્થ પહોંચી રહ્યો છે. જોકે, હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લેઆમ થવા લાગ્યા છે. સુરતમાંથી એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક યુવક BRTS બસમાં પાકિટમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને લોકોને બતાવે છે અને મુસાફરોને ધમકાવી રહ્યો છે.
શું છે ઘટના?
સુરત સિટી બસમાંથી આ શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો સાથે માથાકૂટ કરતો જોવા મળે છે. યુવક નશામાં લોકોને બેફામ ગાળો બોલી રહ્યો છે. બાદમાં તે પોતાના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો છે. આ સિવાય હથિયાર કાઢે છે અને લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે પોતાની સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોને ધમકાવી રહ્યો છે અને કહે છે કે, 'આ સુરત છે, અહીંથી નીકળ. તારી ઓકાત નથી અહીંથી ભાગ.' બાદમાં તે પોતાનો ફોન બતાવે છે અને કહે છે કે, 'આ દોઢ લાખનો ફોન છે, હું રોયલ કાઠિયાવાડી છું.' પછી તે પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢે છે અને કહે છે કે, 5 હજારનું આવે આટલું પેકેટ.' આખા વીડિયોમાં યુવક સતત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે.
પોલીસ તંત્ર પર થયા સવાલ
આ સિવાય બસમાંથી ડ્રગ્સ લેવાની સિરિન્જ (ઇન્જેક્શન) પણ મળી આવી છે. જોકે, આ સિવાય યુવકના હાથમાં નશાકારક સિરપની બોટેલ પણ જોવા મળી રહી છે. સુરતના આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. નશામુક્ત ગુજરાત બનાવવાનો દાવો કરતું ગૃહ મંત્રાલય આ વિશે હાલ મૌન છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યા છે કે, આ ડ્ર્ગ્સ સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે છે? કોણ છે જે ડ્રગ્સનો આ રીતે વેપાર કરી રહ્યા છે અને તે પકડાતા કેમ નથી? જાહેરમાં આ પ્રકારે ડ્રગ્સનું પેકેટ બતાવીને માથાકૂટ કરી રહેલા યુવકને જોઈને દેખાઈ રહ્યું છે કે, તેને પોલીસ તંત્રનો કોઈ ડર જ નથી.
પોલીસ કાર્યવાહી કરાશે
વાઈરલ દ્રશ્યો વિશે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે, 'આ દ્રશ્યો અમારા ધ્યાનમાં આવ્યો છ, જે ખૂબ જ ગંભીર બાબત છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. આવા મુસાફરો અન્ય મુસાફરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. આ મામલે બસ ડ્રાઇવર અને કંડક્ટર સાથે વાત કર્યા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું.'