
ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે મૂળ બિહારના પણ સુરત રહેતા ક્રેઇન ઓપરેટર તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરતો ચમકલાલ યાદવ બ્રેઈનડેડ થતા તેના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમ થી ચમકલાલ ના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.ચમકલાલ યાદવના પાર્થિવ દેહ અને તેના પરિવારને કાર્ગો અને વિમાન મારફત સુરત એરપોર્ટથી પટના એરપોર્ટ અને ત્યાંથી વાહન મારફત તેના ગામ બભનગામા, જી. ભાગલપુર, બિહાર મોકલવામાં આવ્યો હતો.
માથામાં દુઃખાવા બાદ ઊલટી થઈ
મૂળ બિહારના પરંતુ સુરતના હજીરા મુકામે રહેતો અને ઉનન્ત એન્જીનીયરીંગ પ્રા. લિ માં ક્રેઇન ઓપરેટર તરીકે ફરજ બજાવતો ચમકલાલ તા. ૨૮ માર્ચના રોજ એલ & ટી કંપનીના ગેટ નં ૧૩ના ડિફેન્સ ગેટ નં ૩ પર કામ કરી રહ્યો હતો. ત્યારે સાંજે ૬:૦૦ કલાકે ચક્કર આવતા પડી ગયો હતો. ત્યારબાદ માથામાં સતત દુ:ખાવાની ફરિયાદ કરતા તેમજ ઉલ્ટીઓ થતા, તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત આશુતોષ મલ્ટી સ્પેશીયાલીટીમાં ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. અંકિત ગજ્જર અને ડૉ. મયુરધ્વજ વાંસીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી, નિદાન માટે CT સ્કેન કરાવતા, નાના મગજની લોહીની નળીમાં ફુગ્ગો તથા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. જેનીલ ગુરનાનીએ મગજમાં આવતું દબાણ ઓછું કરવા માટે નળી (EVD) મૂકી હતી.
પરિવારને અંગદાનનું મહત્વ સમજાવાયું
તા. ૩૧ માર્ચ ના રોજ ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. અંકિત ગજ્જર, ડૉ. મયુરધ્વજ વાંસીયા, ન્યુરોસર્જન ડૉ. જેનીલ ગુરનાની અને ડૉ. રાજીવ રાજ ચૌધરી એ ચમકલાલ ને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.આશુતોષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડૉ. રૂચિતા મનવાણી એ ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ચમકલાલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોચી ચમકલાલની પત્ની લલીતા દેવી, ભત્રીજા વિનોદકુમાર યાદવ, કનૈયા યાદવ, દિપક કુમાર યાદવ, અજય કુમાર યાદવ, સમાજના અગ્રણીઓ ગૌતમ કુમાર, અરુણ કુમાર, કૈલાશ શા તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
અંગદાત્તાના સંતાનો અભ્યાસ કરે છે
ચમકલાલની પત્ની લલીતા દેવી એ જણાવ્યું કે, અંગદાનનું કાર્ય, ઈશ્વરીય કાર્ય છે, શરીર રાખ થઇ જાય તેના કરતા, મારા બ્રેઈનડેડ પતિના અંગદાન થી અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. ચમકલાલના પરિવારમાં પત્ની લલીતા દેવી ઉં.વ. ૪૧, ત્રણ પુત્રો પૈકી એક પુત્ર નીતીશ કુમાર યાદવ ઉં.વ. ૧૭, જે બિહાર ભાગલપુરમાં આવેલ ટી. એન. બી કોલેજમાં બેચલર ઓફ આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે, બીજો પુત્ર સંજીવ કુમાર યાદવ ઉં.વ. ૧૫, જે રામજાનીપુર, બિહારમાં આવેલ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં હાલમાં ધોરણ ૧૦ ની પરીક્ષા પાસ કરી છે, ત્રીજો પુત્ર જયકાંત કુમાર યાદવ ઉ.વ. ૧૩, જે ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ ૯ માં અભ્યાસ કરી રહ્યો છે.
પરિવારે અંગદાનની સંમતી આપી
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલ ને, લિવર અને કિડની અમદાવાદની IKDRC ને ફાળવવામાં આવ્યા હતાં. હૃદય નું દાન અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલના ડૉ. કાર્તિક પટેલ, ડૉ. હાર્દિક સોલંકી, ડૉ. વિશારદ ત્રિવેદી, ડૉ. પ્રતિક શાહ, ડૉ. હિરેન બોરાનીયા, ડૉ. જાસ્મીન પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું. લિવર અને કિડનીનું દાન અમદાવાદની IKDRCના ડૉ. રાહુલ અમીન, ડૉ. પ્રહાશ પમ્પાનીયા, ડૉ. પ્રહર ખંડેલવાલ અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
હ્રદય વડોદરાના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલા હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ વડોદરા ના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવર અને કિડની નું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદ ની IKDRCમાં કરવામાં આવ્યું હતું. હૃદય હવાઈ માર્ગે તેમજ લિવર અને કિડની રોડમાર્ગે સમયસર અમદાવાદ પહોચાડવા માટે સુરતની આશુતોષ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ અને અમદાવાદની IKDRC સુધીના માર્ગના બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના જુદા – જુદા શહેરો અને ગ્રામ્ય પોલીસ નો સહકાર સાંપડ્યો હતો.
મૃતદેહ વતન મોકલાયો
ચમકલાલના બાળકો તેના પિતા ના દર્શન કરી શકે તે માટે, તેની પત્નીએ, ચમકલાલના પાર્થિવ દેહ ને તેના વતન બિહાર લઈ જવા માટેની ઈચ્છા વ્યક્ત કરતા ડોનેટ લાઈફ સંસ્થાએ ચમકલાલ ના પાર્થિવ દેહ ને, તેની પત્ની, પુત્ર, ભાઈઓને સુરત એરપોર્ટ થી કાર્ગો તેમજ વિમાન મારફત પટના એરપોર્ટ મોકલવાની તેમજ પટના એરપોર્ટ થી રોડ માર્ગે તેના ગામ. બભનગામા, પો. કલગીગંજ, થાના, શિવનારાયણપુર, જી. ભાગલપુર, બિહાર મોકલાવવાની નિ:શુલ્ક વ્યવસ્થા કરી હતી તેમજ ચમકલાલના ત્રણેય બાળકોના શિક્ષણની જવાબદારી પણ ઉપાડી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ચમકલાલ ના પાર્થિવ દેહને એમબાલ્બીંગ કરવાની પ્રક્રિયામાં ડૉ. વિનેશ શાહ નો સહકાર સાંપડ્યો હતો.