ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ત્યારે સુરતના માંગરોળના દિનોદ ગામના રહેવાસી ભરતભાઈ શંકરભાઈ પટેલના પુત્ર પવનના લગ્ન તા. ૨૦ મે ના રોજ થયા હતા. તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે તા. ૨૨ મે ના રોજ તેમના ગામ દિનોદથી અજમેર જવા નીકળ્યા હતા. તા ૨૩ મે ના રોજ સવારે ૮:૦૦ કલાકે ઉદયપુર, રીથભદેવ કાલાજી મંદિર પાસે માર્ગ અકસ્માતમાં તેમના પુત્ર પવન, બેન નયનાબેન અને પત્ની કુસુમબેનને માથામાં ગંભીર ઈજાઓ થવાથી ઉદયપુરમાં આવેલ આર. એન. ટી હોસ્પીટલમાં તેઓને લઈ જવામાં આવ્યા હતાં. ફરજ પરના તબીબોએ તેમના પુત્ર પવન અને બહેન નયનાબેનને મૃત જાહેર કર્યા હતાં. તેમના પત્ની કુસુમબેનને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
પતિને લકવાની બીમારી
કુસુમબેનના પરિવારમાં તેમના પતિ ભરતભાઈ શંકરભાઈ પટેલ ઉ.વ. ૫૪, જેઓ ટેક્ષટાઈલ ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરંતુ લકવાના હુમલાને કારણે છેલ્લા સાત વર્ષ થી નિવૃત જીવન જીવી રહ્યા છે. બે પુત્રીઓ પ્રતિમા અમોલ રાજપૂત ઉ.વ. ૨૬ અને અમીષા ભાવેશ પટેલ ઉ.વ. ૨૩ પરણિત છે. પુત્ર વધુ રેશ્મા પવન પટેલ ઉ.વ. ૨૩, અકસ્માતમાં મૃત્યુ પામેલ પુત્ર પવન ભરતભાઈ પટેલ ઉ.વ. ૨૬ ના લગ્ન તા. ૨૦ મે ૨૦૨૫ ના રોજ રેશ્મા સાથે થયા હતા. સ્વ. પવન અંકલેશ્વરમાં આવેલ ઇન્ટાસ ફાર્મામાં એન્જીન્યરીંગ મેન્ટેનન્સ વિભાગ માં ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો.પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા.
કિડની સુરતના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ
દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉ.વ. ૩૨ વર્ષીય વ્યક્તિમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ઉ.વ. ૩૩ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડો. કલ્પેશ ગોહિલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. પ્રમોદ પટેલ, અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી ઉ.વ. ૬૮ વર્ષીય આધેડમાં સુરતની કિરણ હોસ્પીટલમાં ડૉ. ધર્મેશ ધનાણી, ડૉ. રૂચિર ઝવેરી, ડૉ. ગૌરવ ગુપ્તા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. ચક્ષુનું ટ્રાન્સપ્લાન્ટ એક જરૂરિયાતમંદ દર્દીમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવશે.
પરિવારે ચિંધી નવી રાહ
માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. કુસુમબેન ભરતભાઈ પટેલ ઉ.વ. ૫૧ ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કુસુમબેનના પતિ ભરતભાઈ, ભાઈ હર્ષદભાઈ, જમાઈ અમોલ તેમજ પટેલ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. ભૌમીક ઠાકોર, ન્યુરોફીઝીશયન ડૉ. હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. દર્શન ત્રિવેદી, મેડીકલ ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર ડૉ. અલ્પા પટેલ, જગદીશ સિંધવ, એનેસ્થેસિયા ટીમ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના માનદ્દ મંત્રી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, વિશાલ ચૌહાણ, ભરતભાઈ ત્રિવેદી, જતીન કાપડિયા અને સુરજ દિગ્રસે નો સહકાર સાંપડ્યો હતો.