સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ના પર્વત પાટિયા વિસ્તારમાં 3 દિવસથી પાણી ભરાયા છે. જેથી સ્થાનિકોની હાલત કફોડી બની છે. લિંબાયતમાં આવેલી મીઠી ખાડીમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ જળબંબાકારની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા બેભાન દર્દીઓ માટે કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.લિંબાયતમાં રહેમાન નામની એક વ્યક્તિએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. જોકે, ફાયર વિભાગ પાસે ઘટનાસ્થળે બોટની સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. દર્દીને અડધા કલાકે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાયો હતો. દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડી હતી. 65 વર્ષીય રહેમાન ભાઈને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ છે.