
છોટી સી લવ સ્ટોરીએ શિક્ષણ જગતની સાથે સામાજિક અને કાયદાકિય રીતે શિક્ષિકા અને બાળ વિદ્યાર્થીના પરાક્રમે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે 13 વર્ષના વિદ્યાર્થીથી કથિત રીતે ગર્ભવતી થયેલા શિક્ષિકા હાલ જેલમાં બંધ છે. ત્યારે આ શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ હોવાથી તેને રાખવો કે નહી તે લાજપોર જેલમાંથી નક્કી શિક્ષિકા જ કરશે.
ગર્ભપાતનો નિર્ણય માટે સમય ઓછો
શિક્ષિકાના ગર્ભમાં રહેલા બાળકને લઈને મૂંઝવણ સર્જાઈ છે. શિક્ષિકા ગર્ભમાં રહેલા બાળકને વિદ્યાર્થીનું કહી રહી છે. જોકે, પોલીસ આ મામલે ડીએનએ ટેસ્ટ કરાવશે. આ દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષિકા બંનેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ગર્ભમાં રહેલા બાળકને રાખવું કે નહીં તે અંગે હજુ અસમંજસ છે. જોકે આ મામલે કાઉન્સેલિંગ થયા બાદ જ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય રીતે 22 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવામાં જો કોઈ પ્રોબ્લેમ ન હોય તો થઈ શકે છે. જેથી આ શિક્ષિકાને ગર્ભપાતનો નિર્ણય કરવા માટે તેની પાસે 10 દિવસનો સમય છે. જો ત્યારબાદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવશે તો કોર્ટની મંજૂરી લેવી પડે તેવી શક્યતા છે.
‘યુવતી પુખ્ત હોવાથી કોકડું ગૂંચવાયું’
આ કેસ યુવતી પર બળાત્કારનો નહિ, પરંતુ યુવતી દ્વારા તરૂણ સાથે યૌનશોષણનો હોવાથી કેસ આખો ઉલટો છે. ભોગ બનનાર યુવતી જો સગીર હોય તો પોલીસ અથવા તો તેના વાલીઓ ગર્ભપાત માટે અરજી કરતા હોય છે, પરંતુ અહીં યુવતી પુખ્ત હોવાની સાથે તે પોતે આરોપી પણ છે. આ કેસમાં બાળકને જન્મ આપવો કે પછી ગર્ભપાત કરવો તેનો નિર્ણય પણ આ યુવતીએ જ કરવાનો રહેશે. ગર્ભપાત કરાય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જન્મ આપવાનું થાય તે સંજોગોમાં યુવતીને અનેક સામાજિક પ્રશ્નોનો સામનો કરવાનો રહેશે. બાળકના ભરણ-પોષણથી લઈ તેના અભ્યાસ અને તેની પાછળ પિતાનું નામ લગાવવું કે નહિ તેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે. હાલ આ યુવતીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઈ છે. બાળકનું શું કરવું એને લઈને યુવતીએ જ વકીલ મારફત કોર્ટમાં અરજી કરવાની રહેશે.
DNA રિપોર્ટ આવતા 3 મહિના લાગે
આ સમગ્ર કેસમાં શિક્ષિકા ખુદ કહી રહી છે કે આ બાળકનો પિતા વિદ્યાર્થી છે. જોકે આ મામલે પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવવા ઈચ્છતી હોય તો હાલમાં આધુનિક સુવિધાના પગલે ગર્ભમાં રહેલા બાળકની આસપાસ રહેલા પાણીનું સેમ્પલ અને વિદ્યાર્થીનું સેમ્પલ લઈને ડીએનએ ટેસ્ટ કરી શકાય છે. પોલીસ દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ તેનો રિપોર્ટ બે કે ત્રણ મહિના બાદ આવે તેવી શક્યતા છે.