
સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા એક રેઇડમાં 4.178 કિલો ગાંજો, નશાકારક કોડઈન સિરપ અને ટેબલેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં રેઇડ, 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નશીલા પદાર્થનો જથ્થો જપ્ત
ભેસ્તાન વિસ્તારમાં આવેલા શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભેસ્તાન પોલીસ દ્વારા માહિતીના આધારે રેઇડ કરવામાં આવી હતી. અહીં એક શુભમ પ્રદિપસિંહ (ઉં.વ. 22, રહેવાસી ભેસ્તાન, સુરત) નામના ઇસમને કુલ 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.જપ્ત કરાયેલ નશીલા પદાર્થોમાં ગાંજાનો જથ્થો 4.178 કિ.ગ્રામ (કિંમત 41,780), નશાકારક કોડીન સિરપ- 7 બોટલ (કિંમત 1,050), નશાકારક ટેબલેટ 22 સ્ટ્રીપ (કિંમત 528) મળી કુલ 56,698 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિમાન્ડ મેળવાયા
ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં 1 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા અને ક્યા-ક્યા લોકો સુધી પહોંચતા હતા. સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ નશા કારક પદાર્થ તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા લોકોને પણ આપતો હતો?