
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરતમાં માથાભારે અસામાજિક તત્વોના નામના લિસ્ટ બનાવાયા છે. જેથી એક પછી એક માથાભારે તત્વો દ્વારા સરકારી જગ્યા પર કરવામાં આવેલા દબાણો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. જેમાં રાહુલ એપાર્ટમેન્ટના મકાનને તોડાયા બાદ આજે પોલીસ દ્વારા બુટલેગર સમીર માંડવાએ ગેરકાયદે ઉભા કરેલા ડોમની સાથે સાથે સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામને પણ તોડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
બુટલેગરના પતરાના ડોમને હટાવાયું
બુટલેગર સમીર માંડવાની મિલકત પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. તેમાં લાલગેટ પોલીસ દ્વારા ગુનાખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. ખૂન, મારામારી, ખૂનની કોશિશ, ખંડણી સહિતના 3થી વધુ ગુના દાખલ થયા છે. આરોપી દ્વારા સરકારી જમીન પર કબજો કરવામાં આવ્યો હતો. સમીર માંડવાએ સરકારી જગ્યા પર પતરાનો ગેરકાયદેસર ડોમ ઉભો કર્યો હતો. પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સજ્જુ કોઠારીનો વારો
પોલીસ અધિકારી ગુર્જરે કહ્યું કે, D.G ના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે. માથાભારે સાજુ કોઠારીના ઘરે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમને અને ટોરન્ટ પાવરને પણ સાથે રાખીને મોહલ્લામાં પોલીસે એન્ટ્રી કરી છે. પોલીસ દ્વારા ખંડણી વસુલવી, ધાક ધમકી, અપહરણ જેવા ગુના નોંધાયેલા લોકો દ્વારા ગેરકાયદે બનાવેલા મકાનો અને ભાડે આપેલા મકાનો ખાલી કરાવીને તેનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.