
સુરત સહિત ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ બાદ રોગચાળો ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારમાં સુપર કલોરીનેશનવાળું પાણી આપવા સરકારે સૂચના આપી હતી. તેમ છતાં સુરતમાં આ કામગીરી થઈ ન હતી. મ્યુનિ. કમિશ્નરે રિવ્યુ બેઠકમાં હાઇડ્રોલિક વિભાગનો હવાલો સંભાળવા નિધિ સિવાય પાસે જવાબ માંગતા દલીલ કરતા મ્યુનિ. કમિશ્નરે દલીલ નહી જવાબ આપો તેવું કહી દીધું હતું. આ ઉપરાંત અન્ય કામગીરીમાં પણ ધ્યાન ન હોવાનું જણાવ્યું હતું.
લોકોમાં રોષ
સુરત શહેરમાં આવેલા વરસાદ બાદ શહેરમાં ડ્રેનેજ સિસ્ટમની કામગીરી નબળી હોવાથી શહેરમાં અનેક લોકો ભરાયેલા પાણીનો ભોગ બન્યા હતા. આ ઉપરાંત પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં સુપર કલોરીનેશનવાળું પાણી આપવા માટે સુચના આપી હતી તેનો પણ અમલ ન થયો હતો. જોકે, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગનો હવાલો રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર આવેલા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય સંભાળે છે. જોકે, તેમના હસ્તકના બન્ને વિભાગની કામગીરીથી લોકોમાં ભારે રોષ છે દરમિયાન પાલિકા કમિશનર દ્વારા ગઈકાલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
સૂચના અપાઈ હતી
બેઠકમાં સુરતના રસ્તા, પાણી અને ડ્રેનેજના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સરકારની સુચનાઓ મુજબ રસ્તા, પાણી અને ગટર બાબતે શું શું કરવાનું છે, શું શું કરાયું છે તેનો મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે રિવ્યુ લીધો હતો. જેમાં ગુજરાત સરકારે ખાડી પૂરની સ્થિતિ બાદ શહેરમાં રોગચાળો ફેલાઈ નહી તે માટે લોકોને પુરું પાડવામાં આવતા પાણીમાં સુપર કલોરીનેશન કરી વિતરણ કરવાની સુચના આપી હતી. આ મુદ્દે ક્યા પ્રકારની કામગીરી કરવામાં આવી તે માટે વિભાગનો હવાલો સંભાળવા નિધિ સિવાયને પૂછ્યું હતું.
રોગચાળો ફેલાય તેવી આશંકા
જોકે, નિધિ સિવાયએ એવો જવાબ આપ્યો હતો કે અસરગ્રસ્ત વિસ્તારમાં સુપર કલોરીનેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે આખા શહેરમાં રોગચાળો ફેલાય નહીં તે માટે આખા શહેરમાં સુપર કલોરીનેશનવાળું પાણી કેમ નથી અપાતું તેવું પૂછતાં સિવાયે દલીલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ કહી દીધું હતું કે કામગીરી કરો દલીલ કરવાની જરૂર નથી. આ ઉપરાંત જે અગત્યની બેઠક હોય છે તેમાં કયા પ્રકારની ચર્ચા થાય છે તે ચર્ચા પર પૂરતું ધ્યાન આપવામાં આવે તેવું પણ કહી દીધું હતું. આ મુદ્દો પાલિકાના અઘિકારી-કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.