
સુરતમાં જવેલરી શો-રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં સોનાની ચેઈન ખરીદયા બાદ પેમેન્ટ પેટે એક્સચેન્જમાં સોનાની ચેઈન આપવાની છે એમ કહી પીળા કલરની ધાતુની ચેઈન પધરાવનાર ભેજાબાજને સરથાણાના શીવ જવેલર્સના પેટે માલિકની સતર્કતાને પગલે પોલીસે રંગેહાથ ઝડપી પાડયો છે. સરથાણા યોગી ચોકથી સાવલીયા સર્કલ રોડ સ્થિત સાંઇ પેલેસ કોમ્પ્લેક્ષમાં આવેલી શીવમંદિર જ્વેલર્સમાં બે દિવસ અગાઉ સોનાની લેડીસ ચેઇન ખરીદવા બે ગ્રાહક આવ્યા હતા. ગ્રાહકે અમારૂ બજેટ 1 લાખ આસપાસ છે એવું કહેતા શો-રૂમ માલિક હાર્દિક શિવજી કમાણી અને શો-રૂમ સ્ટાફે ચેઈન બતાવી હતી. જે પૈકી 10.250 ગ્રામ વજનની 1.05 લાખની કિંમતની ચેઇન પસંદ આવતા બિલ વિમલ મુકેશ લંગાળીયા નામનું બિલ બનાવ્યું હતું.
બે વ્યક્તિને શો-રૂમમાં બેસાડ્યા હતા
પેમેન્ટ માટે વિમલે મારી પાસે સોનાની ચેઇન છે, તે એક્સચેન્જમાં લેશો એમ કહી ગળામાં પહેરેલી 11.710 ગ્રામની ચેઈન બતાવી હતી. પરંતુ અગાઉ એક્સચેન્જમાં સોનાને બદલે ગ્રાહકના સ્વાંગમાં ગઠિયા ખોટી ચેઇન પધરાવી ગયા હોવાથી હાર્દિકે સતર્કતા દાખવી ભાગીદાર અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાની સાથે વિમલ અને તેની સાથે આવનાર હરી રબારીને શો-રૂમમાં બેસાડ્યા હતા. પોતાની પોલ ખુલી જતા વિમલે ચેઇન વિવેક સોનીએ બનાવી આપી હોવાનું અને હરી ફોન ઉપર વાત કરવાના બહાને શો-રૂમની બહાર નીકળી રવાના થઈ ગયો હતો. દરમિયાનમાં પોલીસ ધસી આવતા વિમલની પૂછપરછમાં અગાઉ બે વખત શીવ જવેલર્સ શો-રૂમમાંથી ખોટી ચેઈન પધરાવી કુલ 72.940 ગ્રામ કિંમત 6.79 લાખની ચેઇન ખરીદ્યાની કબૂલાત કરી હતી.
ભેજાબાજ પકડાયો
પીળા કલરની ધાતુની ચેઇનના કડીના આંકડા સોનાના બનાવતા અને તેમાં સરકારી નિયમ મુજબ હોલમાર્ક કરતા હતા જેથી જવેલરની આંખમાં ધૂળ નાંખી શકાય. શીવ જવેલર્સના હાર્દિક કમાણીની સતર્કતાથી ગ્રાહકના સ્વાંગમાં ભેજાબાજ પકડાયો છે. આશ્ચર્યની બાબત એ છે કે, શીવ જવેર્લ્સમાંથી ગત 15 એપ્રિલના રોજ સુરેશ લુખીના નામે બિલ બનાવી 10.400 ગ્રામની ખોટી ચેઇનના બદલામાં 8.290 ગ્રામ અને 25 એપ્રિલના રોજ 10.280 ગ્રામની ખોટી ચેઇનના બદલામાં 8.610 ગ્રામની ચેઈન લઈ ગયા હતા. જ્યારે મોગલ જવેલર્સના ચેતન ધામેલીયાને પણ ખોટી ચેઇન પધરાવી 13.850 ગ્રામ, ગોપી જવેલર્સના ભરત કાનજી રાદડીયા પાસેથી 13.900 ગ્રામની ચેઈન ખરીદી હતી.