સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ અત્યાર સુધી ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને વહન કરતા હતા હવે તેઓ દાદાગીરી પર પણ ઉતરી આવ્યા છે. સુરેન્દ્રનગરમાં હવે ખનીજ વહન પર ચેકીંગમાં ગયેલી ટીમ પણ સુરક્ષિત નથી. ખનન માફિયાઓએ વઢવાણ મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગેરકાયદેસર ખનીજ વહન અંગે ચેકિંગની કાર્યવાહી કરી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
ડમ્પર ચાલક પાસે રોયલ્ટી કાગળો રજૂ કરવાનું કહેતા કર્મચારી યોગેશ હિરવાણીયા સાથે ખનન માફિયાઓએ હાથાપાઈ કરી હતી. ખનીજ માફિયાઓએ ચેકિંગમાં ગયેલી સરકારી ગાડી પર ખાનગી ટ્રક ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે. મામલતદાર ઓફિસના કર્મચારીને ડમ્પરમાં બેસાડી અને ત્યારબાદ ડમ્પર ભગાવી મૂકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ડેપ્યુટી કલેકટર દ્વારા ડમ્પર ચાલક ડ્રાઇવર અને માલિક સામે તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.