
સુરેન્દ્રનગર શહેર સહિત ગ્રામ્યમાં આજે બે આગની ઘટનાઓ બની હતી. જેમાં ધ્રાંગધ્રા નજીક નવલગઢ પાસે આવેલી પેપરમિલમાં આગ લાગી હતી, જ્યારે બીજી આગ સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારમાં આવેલા કોમ્પલેક્સમાં આગ લાગી હતી. આ કોમ્પલેક્સમાં છ મહિનામાં બીજીવાર આગની ઘટના બની હતી. આગની ઘટનાને પગલે સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કોમ્પલેક્સમાં આગને લીધે વેપારીઓ અને ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારમાં આવેલા જોરાવરનગર કોમ્પલેક્સમાં આજે બપોરે આગ લાગી હતી. જો કે, આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું હતું. આગને લીધે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કોમ્પલેક્સમાં આગને લીધે સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગને જોતા ખરીદી માટે આવેલા ગ્રાહકો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ કોમ્પલેક્સમાં છેલ્લા છ મહિનામાં બીજીવાર આગ લાગી હોવાનું સામે આવ્યું હતું.