
ગુજરાતમાં હત્યાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. ધુળેટીના દિવસે જ અમરેલીમાં એક પતિએ આડાસંબંધની શંકામાં તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે એવામાં સુરેન્દ્રનગરમાંથી પણ હત્યાની સમાચાર સામે આવી રહ્યા છે જેમાં એક શખ્સ યુવતીની છેડતી કરી રહ્યો હતો એવામાં એક યુવક વચ્ચે પડતા તે યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો મામલો સામે આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધુળેટીના દિવસે ખૂનની હોળી ખેલાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં થાનના સરોળી ગામે યુવકની હત્યા કરવામાં આવી હતી. ગળાના ભાગે છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. મિત્ર દ્વારા યુવતીને છેડતી કરવામાં આવી હતી ત્યારે અન્ય એક યુવક વચ્ચે પડ્યો અને તે યુવકને જ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. મામલાની જાણ થતાં થાન પોલીસ દોડી આવી અને યુવકના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ માટે લઈ જવામાં આવ્યો છે. તહેવાર સમયે જ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યાને પગલે ગામમાં ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.