
તાપી જિલ્લાના સોનગઢ ખાતે રામકથાકાર મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે. જેમાં આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યાં હતાં. હોળીની શુભકામના આપતાં હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, આદિવાસી ભાઈ બહેનો ભગવાનનું બીજું સ્વરૂપ છે. ત્યારે ઘણા તત્વો આવા ભાઈઓ અને બહેનોને ફોસલાવી ખોટા રસ્તે લઈ જનાર પર ગુજરાત સરકાર ગંભીરતાથી પગલાં લેશે.
ખોટી રીતે ફસાવનારા બચશે નહી
સંઘવીએ કહ્યું કે, ભોળા ભાળા આદિવાસી ભાઈઓ બહેનોને ખાસ કરીને ધર્મ પરિવર્તન બાબતે કોઈ પણ પ્રકારે ખોટી રીતે ફસાવવામાં આવશે, તો એવા લોકોને કાયદાની કોઈ પણ બારીમાંથી છટકી જવા દેવામાં આવશે નહી. સાથે જ કોઈ પણ આવી પ્રવૃતિઓને બચાવવામાં પણ નહીં આવે. બાદમાં રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલ દ્વારા મોરારી બાપુને તિલક કરી ધૂળેટી પર્વની શુભેચ્છા આપી હતી.
ધર્માંતરણ પર લગામ કસાશે
પૂર્વ મંત્રી ગણપત વસાવા અને જિલ્લાના ધારાસભ્યો અને ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન ગૃહમંત્રીનું નિવેદન ઘણું સૂચક રહ્યું હતું. આદિવાસી વિસ્તારમાં ઘણા સમયથી ધર્માંતરણ થતું હોવાની રાવ ઉઠી હતી. જેથી આ પ્રકારના નિવેદનને લઈને ધર્માંતરણ કરનારા પર લગામ કસવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.