
અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે વ્યારાના કાટગઢ પાસે કારે બાઇકને અડફેટે લેતા બે ઈસમોને ગંભીર ઇજાઓને પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. સોનગઢના ચાકડીયા ગામમાં નીરજ ગામીત અને જમા ગામીત શિવ શક્તિ ટ્રેડિંગ કંપનીમાં નોકરી કરે છે. ગત 3 જૂને સાંજે નિરજભાઈ અને જમાભાઈ ગામીત શેઠની બાઇક GJ-05-NJ-8517 પર ડીઝલ લેવા વિરપુર ગામે આવેલા ભારત પેટ્રોલપંપ તરફ જઈ રહ્યા હતા.
મધરાતે સર્જાયો અકસ્માત
મોટરસાયકલ જમાભાઈ ચલાવતા હતા અને નિરજભાઈ પાછળ બેઠેલા હતા. મધ્યરાત્રે આશરે 12.15 વાગ્યે કાટગઢ ગામે પી.પી.સાવાણી હાઈસ્કૂલ સામે સોનગઢથી સુરત તરફ જતા નેશનલ હાઈવે પર કાર નં. GJ-16-CN-9189 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી. નિરજભાઈના માથામાં ગંભીર ઇજા થઈ. જમણા પગના પંજાના ભાગે ફ્રેક્ચર થયું. જમાભાઈના માથામાં ભાગે ઇજા થતાં બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું.
ગામમાં શોકનો માહોલ
બનાવ અંગે નિલેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટૉયોટા કારનો ચાલક અકસ્માત કર્યા બાદ પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો છે. બંનેના મોત માટે જવાબદાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સોનગઢ તાલુકાના ચાકડીયા ગામમાં રહેતા નીરજભાઈ ગામીત ઉંમર 19 અને જમાભાઇ ગામીત ઉંમર 72 જેઓનો માર્ગ અકસ્માતમાં મોત નિપજતા એક જ ગામમાં બે વ્યક્તિઓના એકસાથે મોતને લઈને પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.