
Surat News: સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામ આવી રહી છે જેમાં શ્વાન દ્વારા માસુમ બાળકીને પકડી ભાગી જવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને શ્વાન ઉપાડી જવાની જાણ થતાં માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડ્યા પરંતુ બાળકીનો કોઈ પતો ન લાગતા પોલીસની મદદ લીધી હતી. કલાકોથી પોલીસ દ્વારા માસુમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.
શ્રમિક પરિવાર બાંધકામ સાઈટ પર ઝૂંપડું બાંધી વસવાટ કરે છે
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈટ પર કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે. મધ્યપ્રદેશમાં વતનમાં કામ હોવાથી આંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા.
માતાની નજર સામે શ્વાન બાળકીને ખેંચીને ભાગી ગયું
આ દરમિયાન તેમની પત્ની તીતાબેન ગતરોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યાના અરસામાં તેની માસુમ પુત્રી સાથે ઘરે હતા. તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે તેની એક વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. આ દરમિયાન અચાનક જ એક શ્વાન દોડીને આવ્યું અને તીતાબેનની નજર સામે જ એક વર્ષની બાળકી માયાને ખેંચીને દોટ લગાવી. જેથી તીતાબેન તેની પાછળ દોડ્યા અને બૂમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા ૧૦૦થી વધુ મજૂરો પણ શ્વાનની પાછળ દોટ મૂકી હતી. પરંતુ શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયો હતો.
ફાયર ટીમ, ડોગ સ્ક્વોડ, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ રહી છે
ઘટનાને પગલે કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત 200થી પણ વધારે માણસો એક વર્ષની માસુમ બાળકી માયાને શોધવા માટે કામે લાગ્યા હતા. તેમ છતાં કલાકો વીત્યા છતાં હજુ સુધી માસુમ બાળકી માયાનો કોઈ પતો ન મળતા આખરે પોલીસે ફાયર બ્રિગેડ વિભાગની અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી. સવારથી ડોગ સ્કોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસુમ બાળકીને કઈ બાજુ લઈને ભાગી ગયું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છતાં હજુ સુધી બાળકીનો કોઈ પતો મળ્યો નથી. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી છે. ઝાડી ઝાંખરામાં ડ્રોનથી સર્ચ કરવામાં આવી રહ્યું છે. સૌ કોઈ ઝડપથી બાળકીનો પત્તો લાગી સહી સલામત મળે તેવી પ્રાર્થના સ્થાનિકો કરી રહ્યા છે.