
Vadodara news: રાજ્યમાં માર્ગ અકસ્માતોના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આટલું ઓછું હોય તેમ માર્ગ અકસ્માતમાં જાનહાનિની ઘટનાઓ પણ વધી રહી છે. જેથી વહીવટી તંત્ર અને પોલીસ માટે પણ અકસ્માત માથાનો દુખાવો બન્યો છે. વડોદરામાં રફતારનો કહેર યથાવત્ જ રહ્યો હતો. જેથી ગુરુકુળ ચાર રસ્તા વાઘોડિયા રોડ પર પૂરપાટ જતા અજાણ્યા વાહનની અડફેટે બે સંતાનના પિતા ચંદ્રેશ જાદવનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું.
ગત રાત્રિએ મોત થયું હોવા છતાં પોલીસ કાર્યવાહીમાં મોડું થતા પરિવારજનો નારાજ થયા હતા. સિવિલ હોસ્પિટલમાં કલાકો સુધી મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં પડયો રહ્યો હતો.
વડોદરા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી પૂરપાટ વાહનની અડફેટે મોતનો સીલસીલો યથાવત્ છે. વાઘોડિયા રોડ પર અકસ્માતની ઘટના ન બને તો જ નવાઈ. ગત રાત્રિના સુમારે રફતારના કહેરે વધુ એકનો ભોગ લીધો હતો. વાઘોડિયા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બે સંતાનના પિતાનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેને લઈ આસપાસના લોકો એકઠા થયા હતા. હિટ એન્ડ રનની ઘટના છતાં પોલીસ તંત્રની કાર્યવાહી ઢીલી રહેતા અકસ્માતમાં મોતને ભેટેલા ચંદ્રેશ જાદવનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં કલાકો સુધી રઝળી પડયો હતો. જેને લઈ મૃતકના પરિવારજનો પોલીસ તંત્ર સામે નારાજ થયા હતા. પોલીસ કાર્યવાહીમાં ઢીલાશ જોવા મળતા પરિવારજનો અને અન્ય લોકો નારાજ જોવા મળ્યા હતા.