
Vadodara News: વડોદરા શહેરમાં મંદિરમાંથી ચોરીની ઘટનાનો મામલો સામે આવ્યો હતો. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી ગોવર્ધનનાથજીની હવેલીમાં સફાઈ કામ કરતો કર્મચારી લાકડી પર સેલોટેપ લગાવી અલગ અલગ દાન પેટીમાંથી રૂપિયા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. દાન પેટીઓ ભરાઈ ગઈ હોય મેનેજર સહિતના લોકો ખાલી કરી રહ્યા હતા ત્યારે તેમાંથી પટ્ટી લગાવેલી સ્ટીક મળતા તેમને શંકા ગઈ હતી. જેથી લગાવેલા સીસીટીવી ચેક કરતા સફાઈ કર્મચારીના કાંડનો પર્દાફાશ થયો હતો.
આ હવેલીમાં છેલ્લા 12 વર્ષથી સંજય દિનેશભાઈ બારીયાને સાફ-સફાઈ માટે નોકરી પર રાખવામાં આવ્યો હતો. ગત 18 જૂનના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ ગોવર્ધન સેવા ટ્રસ્ટના મેનેજર તથા અન્ય લોકોની હાજરીમાં ગોવર્ધન નાથ હવેલીમાં મૂકવામાં આવેલી દાનપેટી ખાલી કરતા હતા. તે દરમિયાન દાન પેટીમાંથી બે પટ્ટી લગાવેલી વાંસની સ્ટીક મળી આવી હતી. જેથી મેનેજર સહિતના લોકોને દાન પેટીમાંથી કોઈ ચોરી કરતું હોવાની શંકા જતા હવેલીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં સફાઇ કામ કરતા સંજય બારીયા હાથમાં વાંસની સ્ટીક લઈને હવેલીમાં અલગ અલગ જગ્યાએ મુકેલી દાનપેટીઓમાંથી રૂપિયા કાઢતો જણાયું હતું. જેથી અકોટા પોલીસ સ્ટેશનમાં સંજય બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.