
વડોદરા રણોલીમાં નોકરી કરતા આણંદના સારસાના યુવકની હત્યાને મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રુપિયાની લેવડદેવડ તથા ગિરવે મૂકેલી કાર માટે યુવકો વચ્ચે તકરાર થઈ હતી જેમાં પાર્થ સુથાર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, પાર્થે વગર કાગળે વિશ્વજીતની કાર ભાડે ફેરવવા માટે લીધી હતી અને તે કાર વગર કાગળે અરવલ્લીમાં વેચી હતી. જ્યાંથી વિશ્વજીત કાર તો લઇ આવ્યો પરંતુ કાર ભાડાના પૈસા લેવાના બાકી હતા જેથી પાર્થનું અપહરણ કરી તેને અસહ્ય માર માર્યો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃતકને અસહ્ય માર અને ત્રાસ અપાયો હોવાનું પુરવાર થયું હતું તેમજ પાર્થના આખા શરીરે માર માર્યાના નિશાન મળ્યા હતા જેથી હત્યા થયાનું પુરવાર થયું હતું. પાર્થનું અપહરણ કરી જ્યાં લઇ જવામાં આવ્યો હતો તે ઓફિસમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિશ્વજીત નામના એક યુવકે મૃતકના સ્વજનને ફોન કરી SSG બોલાવ્યા હતા જ્યાં 29 વર્ષીય પાર્થ સુથારના મૃતદેહને જોઈ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જો કે, ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો અને સમગ્ર મામલે વિશ્વજીત વાઘેલા, પ્રજ્ઞેશ રાણા, રોનક ચૌહાણ નામના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે પોલીસ દ્વારા અરવલ્લી જઈને પણ કોને તે કાર વેચી હતી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.