વલસાડ જિલ્લાના પારડી નજીક હાઈવે પર ફરી એકવાર ખાડાએ જીવ લીધો છે. વલસાડના જુજવા ગામના કનુભાઈ પટેલ નામના યુવાને નોકરી પર જતી વેળાએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાઈવેના પૂલ પાસે પડેલા એક મોટા ખાડામાં તેમનું બાઈક અચાનક પટકાતાં તેઓ રોડ પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પાછળથી પૂરપાટ ઝડપે આવતો ટ્રક સીધો કનુભાઈ પટેલ પર ચઢી ગયો હતો, જેના કારણે યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
પોલીસ ઘટના સ્થળે દોડી આવી
ઘટનાસ્થળે લોકોનો મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. ટ્રક નીચે આવતા યુવાનનો મૃતદેહ ક્ષતવિક્ષત અવસ્થામાં મળ્યો હતો. ઘટના જાણ થતાં જ પારડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.
જવાબદારો સામે પગલાં લેવા માગ
હાઈવે પર પડેલા ખાડાઓને કારણે વારંવાર થતા અકસ્માતોથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ હાઈવે ઓથોરિટી અને જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે સમયસર ખાડા ભરવામાં ન આવે તો આવી દુર્ઘટનાઓમાં વધુ નિર્દોષ જીવ જતાં રહેશે.