એક વ્યક્તિ અને એક એક્ટર તરીકે અભિષેક બચ્ચન સાથે હમેશાં પરોક્ષ અન્યાય થતો આવ્યો છે. ૩૦ જૂન, ૨૦૦૦ ના રોજ એણે કરીના કપૂર સાથે જે.પી. દત્તાની ફિલ્મ 'રિફ્યુજી' થી ડેબ્યુ કર્યું. રિફ્યુજી અભિષેકની પહેલી મૂવી હોવા છતાં એનું પર્ફોર્મન્સ કોઈ રીતે નબળું નહોતું. ઓવર- ડ્રામેટિક થયા વિના એણે પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો હતો. પરંતુ એના કમસનીબે કરીનાનું અપ્રતિમ સૌંદર્ય ફિલ્મ પર છવાઈ ગયું. લોકોએ જુનિયર બચ્ચન રિફ્યુજીમાં કપૂર પરિવારની પુત્રીની તાજગીસભર બ્યુટીની વધુ નોંધ લીધી. રિફ્યુજી એક હિટ નહિ તો એવરેજ ફિલ્મ તો હતી જ, પરંતુ એની આસપાસ જ રિલીઝ થયેલી હૃતિક રોશનની ડેબ્યુ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' સુપરડુપર હિટ થઈ ગઈ. એમાં અભિષેકના ભાગે આવેલી આંશિક સફળતા ઢંકાઈ ગઈ.

