
ઉનાળામાં હોંશે હોંશે ખવાતા આમ્રફળને સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ સન્મુખ આમ્રફૂટ રૂપે નિવેદિત કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ભગવાન સન્મુખ ‘ મેવા જમો મહારાજ ‘ એ ફળો અર્પણ કરતું કીર્તનના પદોનું ગાન સૌ સંતો તથા હરિભક્તોએ કરેલ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ આમ્રફૂટ પ્રસંગે ભગવાન સન્મુખ અર્પણ થયેલ આમ્રફળો સાથે ભગવાનની આરતી ઉતારી હતી. તેઓએ કહેલું કે આંબાનું વૃક્ષ આઠ દશ વરસ ટાઢ તડકો વરસાદ સહન કરીને આપણને મીઠુ મધુરું ફળ આપે છે. જેને સૌ હોંશે હોંશે આરોગે છે.
આંબાના વૃક્ષની તમામ વસ્તુઓ ઉપયોગી
તેઓએ કહેલ કે આંબાનું વૃક્ષ એવું છે કે જે જેના પાન ધાર્મિક ક્રિયાઓમાં તોરણ તરીકે ઉપયોગી થાય છે. એનો ગુંદર ઔષધીય ગુણોથી યુક્ત છે, એમાંથી ગુંદરપાક બને છે. કાચી કેરીનો કચુંબર અને અથાણા થાય છે, પાક્યા પછી ભોજનમાં મુખ્ય આઈટમ તરીકે વપરાય છે. ગોટલીમાંથી મુખવાસ બને છે, ગોટલી વાવવામાં આવે તો એમાંથી બીજો નવો આંબો ઊગે છે.
શ્રમિકોના બાળકોમાં કેરી વિતરીત કરાઈ
આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને સ્વામીજીએ પ્રસાદ રૂપે કેરીઓ આપેલ. પછીથી સ્વામી જ્ઞાનપ્રકાશદાસજી તથા હરિદાસ સ્વામીએ સુરતના વિવિધ એરિયાઓમાં મજૂરી કામ કરતા લોકો તથા તેમના બાળકોને આ કેરીઓની વહેંચણી કરેલ. તેઓએ કહેલું કે આ કેરીને પ્રભુનો પ્રસાદ સમજીને જમજો. પ્રભુસ્વામીના જણાવ્યાનુસાર ૮૦૦ કિલો પ્રસાદરૂપ કેરી ૧૨૦૦ ઉપરાંત લોકોને સંતો સાથે કાંતિભાઈ સાવલીયા, મોહિતભાઈ ગોળકીયા આદિ હરિભક્તો તથા સુરતમાં વસતા રાજકોટ અને જૂનાગઢ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ટીમો દ્વારા વહેંચવામાં આવેલ .