
ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ મુજબ તારીખ 17 માર્ચ 2025થી અચોક્કસ મુદતની હડતાળ પર ગયેલા ડભોઇ તાલુકાના 42 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપેલો છે. આરોગ્ય કર્મચારીને છૂટા કરી સરકારે કર્મચારીઓને લાલ આંખ દેખાડી છે.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના 42 આરોગ્ય કર્મચારીઓ મહાસંઘના આદેશ મુજબ તારીખ 17 માર્ચ 2025થી અચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા. જેનો રિપોર્ટ ડભોઈ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા, સી.ડી.એચ.ઓ. વડોદરાને આપવામાં આવ્યો હતો. તારીખ 19 માર્ચના રોજ એસ્મા એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. તારીખ 20 માર્ચ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ગુજરાત પંચાયત સેવા વર્તણૂક 1997 તથા 1998ના ભંગ બદલ ફરજ પ્રત્યે બેદરકારી દાખવી કર્મચારીને છાજે નહીં તેવું વર્તન હોય સેવાતૂટનો હુકમ કરવામાં આવ્યો હતો, અને તારીખ 24 માર્ચના રોજ કર્મચારીઓને તહોમતનામુ આપવામાં આવ્યું હતું. જેનો જવાબ 24 કલાકમાં આપવાનો હતો, તે જવાબ ના મળતાં તારીખ 27 માર્ચના રોજ રૂબરૂમાં તાલુકા હેલ્થ કચેરી મુકામે અપેક્ષિત કર્મચારીનું પ્રાથમિક સુનાવણી વખતનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તારીખ 29 માર્ચ 2025ના રોજ ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો 1998 અને નિયમિત નિમણૂક આદેશની શરત મુજબ સંબંધિત કર્મચારીએ ,સરકાર ઠરાવે તેવી તાલીમ, ઠરાવે તેટલી મુદત માટે અને ઠરાવે તેવી તાલીમ પછીની પરીક્ષા પાસ કરવાની હોય, કર્મચારીઓની સેવાઓ તારીખ 29 માર્ચ 2025ના રોજ કચેરી સમય બાદ થી સમાપ્ત કરવામાંનો હુકમ કરવામાં આવેલ છે. જેની નોંધ સેવાપોથીમાં કરવાની રહેશે. ડભોઇ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા સંબંધિત તમામ કર્મચારીઓને આ હુકમની જાણ કરવામાં આવેલી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા છૂટા કરવામાં આવ્યા છે. જે કર્મચારીઓ હડતાળમાં જોડાયા નથી, જેથી બચી ગયા છે. ગુજરાત સરકારના આવા કડક પગલાંથી કર્મચારીઓમાં રોષ વ્યાપેલો છે. આમ ડભોઈ તાલુકામાં 42 કર્મચારીઓને હાલ છૂટા કરવામાં આવેલા છે.