
Rajkot news: ઉનાળો પૂર્ણ થઈને ચોમાસું બેસવાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળો બેફામ બન્યો છે. રાજકોટ શહેરમાં ઝાડા-ઊલ્ટી, કમળો અને ટાઈફોઈડના કેસો સતત વધી રહ્યા છે. પાણી અને બરફને લીધે શહેરમાં કમળો અને ટાઈફોઈડના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જેના લીધે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં પણ દોડધામ વધી રહી છે. રાજકોટના સાગરનગરમાં રહેતી 9 વર્ષની બાળકીનું ઝેરી કમળાના લીધે મોત થયું હતું. ઉપરાંત બીજા એક વિસ્તાર એવા વીરડા વાજડીની બાળકીનું ઝાડાથી મોત થયું હતું. જેના લીધે તંત્રએ પાણી અને બરફના ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં તવાઈ બોલાવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન પહેલા જ રોગચાળાએ ભરડો લઈ લીધો છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકતા સતત કમળો, ટાઈફોઈડ, ઝાડા-ઊલ્ટી સહિતના કેસોનો રાફડો ફાટયો છે. રાજકોટ શહેરમાં માત્ર બે અઠવાડિયામાં જ રોગચાળો વકર્યો છે. રાજકોટના સાગરનગરમાં રહેતી નવ વર્ષી બાળકીનું ઝેરી કમળાથી મોત થયું છે. જ્યારે વીરડા વાજડી વિસ્તારની છ વર્ષની બાળકીનું ઝાડાથી મોત થયું છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ઝાડા-ઊલ્ટીના 420, કમળાના 9, ટાઈફોઈડના નવ કેસ નોંધાયા છે. રોગચાળાના કેસો વધતા મપા તંત્રએ સઘન કામગીરી શરૂ કરી છે. પાણીમાં ક્લોરિનેશનની માત્રા જાળવવા પગલાં લીધા હતા. આ ઉપરાં પાણી તેમજ બરફનું ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં સઘન તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.