ગોંડલના રાજકારણમાં ગરમાવો લાવનાર રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે.અમિત ખુંટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવાયાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે. જેમાં રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતરની સંડોવણી ખુલી છે. જેથી આ બંને ઉપરાંત દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં રહેતી અને મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખુંટ સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત શનિવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખુંટની શોધખોળ શરૂ કરી હતી.

