
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અલગ અલગ રેલવે સ્ટેશનોની મુલાકાત લેવાના છે. જો કે, તેમની મુલાકાત અગાઉ જ સુરતમાં કોંગ્રેસના પ્રવક્તા અને રેલવેના પૂર્વ ઝેડઆરયૂસીસી મેમ્બરને નજર કેદ કરી લેવામાં આવ્યાં હતાં.
ઘરે જ નજર કેદ
રેલવે સ્ટેશનનના વિકાસને લઈને અવારનવાર રજૂઆત કરતા કલ્પેશ બારોટને મોડીરાતથી જ નજર કેદ કરી લેવામાં આવ્યાં છે. તેઓને તેમના ઘરે રાતના 3 વાગ્યે નજરકેદ કરવામાં આવ્યાં છે. રેલવે એલસીબી દ્વારા નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. તેમને ઘરની બહાર જ નીકળવા દેવામાં આવ્યાં નથી.
લોકશાહીનો અવાજ દબાવવા પ્રયાસ
કલ્પેશ બારોટે કહ્યું કે, આજે રેલમંત્રી સુરત આવવાના હોય ત્યારે સુરત ઉધના અને ઉત્રાણ રેલવે સ્ટેશન ના વિવિધ મુદ્દા અને ઉત્રાણ સ્ટેશન ઉપર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજની રજૂઆત કરવાના હતાં. અમે સાંજે 4 કલાકે આવેદન પત્ર આપવાના હતા. પણ સુરત રેલવે LCBના માણસો મને રાતના 3 વાગયાથી મારા ઘરે નજરકેદ કરેલ છે. આ રીતની હેરાનગતિ લોકશાહીમાં અવાજ દબાવવાનો પ્રયાસ છે. અમે કોઈ જ કાર્યક્રમ આપ્યા નથી પરંતુ વિકાસની વાસ્તવિકતા દર્શાવવી કે મંત્રીને રજૂઆત કરતા રોકવા તે કેટલું યોગ્ય છે.