
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટાપાયે ડિપોર્ટેશન હાથ ધર્યા બાદ ટેરિફ પર ફોકસ કર્યું હતું. પરંતુ હવે 180થી વધુ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ ફરી પાછાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને બાનમાં લઈ રહ્યા છે. તેઓએ અમેરિકામાં રહેતાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને દેશમાંથી હાંકી કાઢવાની કવાયતને ફરી પાછું વેગ આપતાં ધમકી આપી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાની સરકાર દ્વારા ડિપોર્ટના આદેશો હોવા છતાં અમેરિકામાં વસતાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર રોજિંદા 998 ડોલર સુધીનો દંડ લાદવાની યોજના ઘડવામાં આવી છે. જો ઈમિગ્રન્ટ્સ નિયત સમય મર્યાદા અનુસાર અમેરિકા છોડવામાં નિષ્ફળ રહેશે તો તેમના પર આ દંડ લાગુ કરવામાં આવશે. તેમજ દંડની ચૂકવણી કરવામાં પણ નિષ્ફળ રહેનારાની સંપત્તિ જપ્ત કરવામાં આવશે. આ નિર્ણયનો અમલ 1996ના એક કાયદાને આધિન કરાવવામાં આવ્યો છે.
10 લાખ ડોલર સુધીનો દંડ
ટ્રમ્પના એક વરિષ્ઠ અધિકારીએ આ યોજના પર ચર્ચા કરતાં નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 'ટ્રમ્પ સરકાર આ દંડ પાંચ વર્ષ સુધી લાગુ કરી શકે છે. જેમાં 998 પ્રતિ ડોલરથી માંડી 10 લાખ ડોલર સુધીનો દંડ લાદવાની જોગવાઈ છે.' હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટ્રિસિયા મેકલાઘલિને જણાવ્યું હતું કે, 'ગેરકાયદે વસતાં ઈમિગ્રન્ટ્સના સેલ્ફ ડિપોર્ટ માટે એક મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે. જેની મદદથી તેઓ દેશ છોડી શકે છે. જો તેઓ સમય મર્યાદામાં અમેરિકામાંથી એક્ઝિટ નહીં લે તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે. તેમણે દરરોજે 998 ડોલર લેખે દંડ ચૂકવવો પડશે.'
અગાઉ પણ રજિસ્ટ્રેશન આપ્યો હતો આ આદેશ
અગાઉ ફેબ્રુઆરીમાં ટ્રમ્પ સરકારે અમેરિકામાં વસતા ઈમિગ્રન્ટ્સને ચેતવણી આપી હતી કે, સરકાર સાથે રજિસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળ ઈમિગ્રન્ટ્સ ઝડપથી પોતાના ફિંગરપ્રિન્ટ્સ રજિસ્ટર્ડ કરાવે. જો તેઓ રજિસ્ટ્રેશનમાં નિષ્ફળ રહ્યા તો તેમને મોટો દંડ અને સજાનો સામનો કરવો પડશે. ટ્રમ્પે અગાઉ બે કાફલામાં અંદાજે 215 જેટલા ભારતીયોનો દેશ નિકાલ કર્યો હતો.
US સુપ્રીમ કોર્ટે વૉરટાઈમ કાયદો દૂર કર્યો
ટ્રમ્પની ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર કાર્યવાહી વચ્ચે સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે યુદ્ધના સમયના અસ્પષ્ટ કાયદો દૂર કર્યો છે. આ કાયદાની મદદથી દસ્તાવેજો વિના અમેરિકામાં પ્રવેશ લેનારા વેનેઝુએલાના ઈમિગ્રન્ટ્સના દેશ નિકાલ પર મૂકાયેલો પ્રતિબંધ દૂર કર્યો છે. તેઓને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કરવામાં આવશે.