
અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસેલા ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ડિપોર્ટેશન અભિયાન સતત ચાલુ જ છે. હવે અહેવાલો છે કે, ટ્રમ્પ સરકાર ફ્લોરિડા રાજ્યમાં એક વિશાળ ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે, જે ત્યાંની વિષમ પરિસ્થિતિને લીધે ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામે ચર્ચાને ચકડોળે છે. ચાલો, જાણીએ કે અમેરિકામાં વિરોધનો વંટોળ જગાવી રહેલું આ ડિટેન્શન સેન્ટર છે શું.
કેવું છે ‘એલિગેટર અલ્કાટ્રાઝ’?
ફ્લોરિડા રાજ્યના દક્ષિણે જમીનનો એક વિશાળ પટ ખાલી પડેલો છે. અહીં એક રન-વે છે જે પાયલટોને વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ માટેની ટ્રેનિંગ આપવા માટે વપરાય છે. આ વિસ્તારનું વાતાવરણ ભેજવાળું છે, જમીન કળણવાળી છે અને એવી જમીનમાં રહે છે ખૂબ બધા મગરમચ્છ! હા, મગરમચ્છ. જેના કારણે આ વિસ્તાર ખૂબ જ ખતરનાક ગણાય છે. આવા, જીવનું જોખમ ધરાવતા સ્થળે અમેરિકન સરકાર મોટું ડિટેન્શન સેન્ટર બનાવવાની છે. એટલું મોટું કે એમાં લગભગ પાંચ હજાર અટકાયતીઓને રાખી શકાય.
એટર્ની જનરલે જગાવ્યો વિવાદ
તાજેતરમાં ફ્લોરિડાના એટર્ની જનરલ જેમ્સ ઉથમેઇઅર (James Uthmeier) દ્વારા X પર એક વીડિયો પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આ ડિટેન્શન કેન્દ્રમાં બહુ ઓછી સુવિધા અપાશે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ નામ માત્રની હશે. તેથી જો કોઈ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અહીંથી ભાગવાનો પ્રયાસ કરશે તો પણ તે સફળ નહીં થાય કારણ કે ડિટેન્શન સેન્ટરની આસપાસ સ્વેમ્પ (કળણ) અને તેમાં મગરો છે. આ ઉપરાંત ત્યાં અજગર અને ઝેરી સાપ પણ મોટી સંખ્યામાં છે. આ સેન્ટર ખતરનાક પ્રાણીઓથી ઘેરાયેલા કિલ્લા જેવું છે, જ્યાંથી બહાર નીકળતાની સાથે જ જીવ બચાવવો મુશ્કેલ બની જશે.’
‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામ શા માટે અપાયું?
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સાન ફ્રાન્સિસ્કો ખાડી છે. એ ખાડીમાં અલ્કાટ્રાઝ નામનો ટાપુ છે. એ ટાપુ પર 1934 માં એક જેલ બનાવાઈ હતી, જેનું નામ અલ્કાટ્રાઝ જેલ હતું. 1963માં બંધ કરી દેવાયેલી એ જેલ ચાલુ હતી, ત્યારે એની સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત હતી કે ત્યાંથી ભાગવું કેદીઓ માટે લગભગ અશક્ય ગણાતું. એ જેલ વિશે અમેરિકામાં ઘણી ફિલ્મો પણ બની ચૂકી છે, જેમાં 1979માં રજૂ થયેલી ‘એસ્કેપ ફ્રોમ અલ્કાટ્રાઝ’ સૌથી જાણીતી છે. ટ્રમ્પ સરકારે એ જેલ જેવું જ દુર્ગમ અને ડરામણું સ્થળ પસંદ કરીને ફ્લોરિડામાં ડિટેન્શન સેન્ટર બનાવવાની શરૂઆત કરી છે, જેથી લોકો આ સેન્ટરની સરખામણી અલકાટ્રાઝ જેલ સાથે કરી રહ્યા છે. આ સેન્ટરની આસપાસનું કળણ મગરોથી ભરેલું છે. એક પ્રકારના મગરને અંગ્રેજીમાં એલિગેટર કહેવામાં આવે છે અને તેથી લોકોએ આ નવા ડિટેન્શન સેન્ટરને ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામ આપી દીધું છે.
માનવ અધિકારના ભંગને મુદ્દે આ સેન્ટરનો વિરોધ
અમેરિકાના સામાજિક કાર્યકરો ભય વ્યક્ત કરી રહ્યા છે કે, આ સેન્ટરમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ શકે છે, કેમ કે વહીવટી તંત્ર અત્યારથી જ કહી રહ્યું છે કે આ સેન્ટરમાં બહુ ઓછી સુવિધા અને સુરક્ષા હશે. આ સ્થિતિમાં ડિપોર્ટ થનારા લોકોને અહીં ઘણી યાતનાઓ ભોગવવી પડશે. આ ભયમાં તથ્ય હોવાથી માનવ અધિકારો માટે લડતી સંસ્થાઓએ ટ્રમ્પ સરકાર સામે બાંયો ચઢાવવા માંડી છે.
આ સિવાય બીજો મુદ્દો છે, પર્યાવરણને થનારા નુકસાનનો. આ સેન્ટર શરૂ થતા જ અહીં માનવીય ગતિવિધિ વધશે, જેને લીધે કળણ અને એની આસપાસના પર્યાવરણમાં વસતા જીવો પર નકારાત્મક અસર થશે. પર્યાવરણવિદો કહે છે કે, આટલું મોટું સેન્ટર બાંધવામાં આ વિસ્તારની ઇકો સિસ્ટમને ભયંકર નુકસાન થશે. લુપ્ત થવાની આરે પહોંચી ગયેલી ઘણી પ્રજાતિઓ અહીં વસે છે. સેન્ટરને લીધે એ જીવોનો લુપ્ત થવાનો દર વધી જશે.
ડિટેન્શન સેન્ટર એટલે શું?
અમેરિકા કે પછી કોઈપણ દેશમાં ગેરકાયદે રીતે ઘૂસેલા લોકો પકડાય, તો તેમનો તાત્કાલિક દેશનિકાલ કરી શકાતો નથી. આ માટે અમુક કાયદાકીય કાર્યવાહી કે પેપર વર્ક કરવાનું હોય છે. એ પ્રક્રિયા થતી હોય ત્યાં સુધી ઘૂસણખોરોને જ્યાં રાખવામાં આવે એ જગ્યા ડિટેન્શન સેન્ટર કહેવાય. ત્યાર પછી ઘૂસણખોરોને એ સેન્ટરમાંથી જ તેમના વતન મોકલી દેવાય છે.
અમેરિકાના ડિટેન્શન સેન્ટરોનો અગાઉ થયો હતો વિરોધ
વાત ફક્ત ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ પૂરતી મર્યાદિત નથી. અમેરિકાના બીજા ડિટેન્શન સેન્ટરો પણ ઘણીવાર વિરોધનો ભોગ બન્યા છે, કેમ કે આવા સ્થળોએ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. સ્વચ્છતા હોતી નથી અને અટકાયતીઓને પૂરતી માત્રામાં પોષણયુક્ત ખોરાક પણ અપાતો નથી. તબીબી સુવિધા પણ ભાગ્યેજ મળે છે. આવા સેન્ટરોમાં બાળકોને તેમના માતા-પિતાથી અલગ રખાતા હોવાથી એ મુદ્દે પણ એનો ઘણો વિરોધ થયો છે. કોન્ટ્રાક્ટ પર આવા સેન્ટરો ચલાવતી કંપનીઓ વધુ નફો મેળવવા માટે અટકાયતીઓને બિનજરૂરી સેન્ટરમાં કેદ રાખતી હોવાના વિવાદ પણ થયા છે. ટ્રમ્પ સરકાર પર વખતોવખત એવા આરોપ મૂકાય છે કે સરકાર જાણીજોઈને આવા અમાનવીય સેન્ટરો બનાવી રહી છે કે જેથી એના વિશે જાણીને દુનિયાભરના લોકોમાં ભય ફેલાય અને તેઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા અટકે. જો કે, આ પદ્ધતિ અમેરિકા જેવા દેશ માટે અત્યંત અયોગ્ય છે એવો નિષ્ણાતોનો મત છે.