
India vs Bangladesh News : બાંગ્લાદેશના નેતાઓ અને સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવાની ભારતની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશે ભારતની આ કાર્યવાહીને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. જોકે હકીકતમાં મંગળવારે ભારતે 67 બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલ્યા હતા જ્યારે બુધવારે સવારે 13 લોકો ભારત-બાંગ્લાદેશ સરહદની ઝીરો લાઇન્સ પર ફસાયેલા રહ્યા.
ગેરકાયદેસર ઘુસણખોરોની સંખ્યા ચિંતાજનક
26 મેના રોજ બાંગ્લાદેશી સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ધમકી આપી હતી કે ભારત દ્વારા ગેરકાયદેસર નાગરિકોને ધકેલવામાં આવી રહ્યા છે જે સ્વીકાર્ય નથી અને જો જરૂરી હશે તો અમે સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયાર છીએ. 2016 માં તત્કાલીન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજુએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે લગભગ 2 કરોડ બાંગ્લાદેશી ભારતમાં ગેરકાયદેસર રીતે રહે છે. આ વર્ષે 30 એપ્રિલ સુધી, BSF દ્વારા લગભગ 100 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને બાંગ્લાદેશ સરહદ સુરક્ષા દળ (BGB) ને સોંપવામાં આવ્યા છે. જો કે, બાંગ્લાદેશી મીડિયા અનુસાર, 7 મેથી 800 થી વધુ લોકોને બળજબરીથી સરહદ પાર મોકલવામાં આવ્યા છે, જેમાં ભારતીય નાગરિકો અને રોહિંગ્યા શરણાર્થીઓનો સમાવેશ થાય છે.
લાલમોનિરહાટમાં તણાવ, સ્થાનિક લોકોનો વિરોધ
બુધવારે સવારે, BGB અને સ્થાનિક ગ્રામજનોએ લાલમોનિરહાટ જિલ્લામાં છ અલગ અલગ સરહદી સ્થળોએથી 57 લોકોને ધકેલવાના BSFના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, લાલમોનિરહાટની સરહદે છે. બાંગ્લાદેશના અખબાર ધ ડેઇલી સ્ટાર અનુસાર, મહિલાઓ અને શિશુઓ સહિત 13 લોકો ઝીરો લાઇન પર ફસાયેલા છે. ન તો તેમને બાંગ્લાદેશમાં પ્રવેશ મળી રહ્યો છે અને ન તો ભારત તેમને પાછા લઈ રહ્યું છે.
BSF અને BGB વચ્ચે ફ્લેગ મીટિંગ નિષ્ફળ ગઈ
લાલમોનિરહાટમાં BGB બટાલિયન કમાન્ડર અબ્દુસ સલામે ધ ડેઇલી સ્ટારને જણાવ્યું હતું કે BSF પાસેથી ફ્લેગ મીટિંગની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. તેમણે કહ્યું કે અમે BGB સાથે ઉભા છીએ અને કોઈને પણ દેશમાં બળજબરીથી પ્રવેશવા દઈશું નહીં.