
ઈન્કમટેક્સ વિભાગે સોમવારે દેશભરમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા. ડિપાર્ટમેન્ટે 200થી વધુ લોકો અને સંગઠનોને નિશાન બનાવ્યા હતા જેઓ નકલી દાનના નામે ટેક્સ ચોરીમાં ટેક્સપેયર્સને મદદ કરી રહ્યા હતા. આ લોકો અને સંગઠનો રાજકીય પક્ષોને આપવામાં આવેલા દાન, ટ્યુશન ફી, મેડિકલ ફી વગેરેના નકલી દસ્તાવેજો દ્વારા ટેક્સચોરીમાં મદદ કરતા હતા. આ દરોડા દેશના વિવિધ ભાગોમાં એકસાથે પાડવામાં આવ્યા છે.
ખોટા દાનના કાગળઓ તૈયાર કરાયા
કલમ 80 GGC હેઠળ નોંધાયેલા રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર ટેક્સમાં છૂટ મળે છે. ઈન્કમટેક્સ વિભાગે સોમવારે એવા લોકો અને સંગઠનો પર દરોડા પાડ્યા હતા જેઓ રાજકીય પક્ષોને નકલી દાનના કાગળો તૈયાર કરતા હતા. ઘણી વખત આવા લોકો ટેક્સ બચાવવા માટે બિનનોંધાયેલ અથવા શંકાસ્પદ સંગઠનો થકી નકલી દાન આપે છે. દરોડાનો ટાર્ગેટ એવા નેટવર્ક ઉપર પણ છે જે નકલી ટ્યુશન ફી, મેડિકલ બિલ અને અન્ય ટેક્સ બચત કરતા દસ્તાવેજો તૈયાર કરે છે અને ટેક્સપેયર્સને ટેક્સ ચોરીમાં મદદ કરે છે.
આ રેડ જૂના ટેક્સ સ્લેબ અંતર્ગત કપાતનો દુરુપયોગ અટકાવવા માટે છે. અધિકારીઓ કહે છે કે ઘણા ટેક્સપેયર યોગ્ય દસ્તાવેજો વિના તેમના ક્લેમને વધારી કરીને દેખાડી રહ્યા છે. એવા તમામ લોકો ટેક્સ ચોરી કરી રહ્યા હતા.
“NUDGE” ઝુંબેશ શરૂ કરી
આવકવેરા વિભાગે આજના દરોડા “NUDGE” ઝુંબેશ પછી પાડ્યા છે. આ એ ઝુંબેશ છે જેમાં ટેક્સપેયરને તેમના શંકાસ્પદ અને અસમર્થિત કપાત વિશે માહિતી આપવામાં આવી હતી. સાથે જ સલાહ આપવામાં આવી હતી કે, કોઈપણ પેનલ્ટીથી બચવા માટે સુધારેલ અથવા અપડેટ કરીને રિટર્ન ફાઇલ દાખલ કરવામાં આવે.