
દેશમાં કોરોનાના નવા વાયરસનો ચેપ ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ પાંચ એક્ટિવ કેસ નોંધાયા છે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતાં ડોક્ટર સિક્કિમથી આવ્યા બાદ તેમને સંક્રમણ લાગ્યું છે. જેથી તેમની સાથે સુરતમાં રી-એન્ટ્રી બાદ કોરોનાના એક્ટિવ પાંચ કેસ નોંધાયા છે. જેથી લોકો તકેદારી રાખવા મજબૂર બન્યાં છે.
ડોક્ટરના નજીકના લોકોના રિપોર્ટ કરાયા
41 વર્ષીય ડોક્ટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે. ગત 19 મે 2025ના રોજ સિક્કિમથી સુરત પરત આવ્યા હતાં. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના 8 વ્યક્તિઓને હાલમાં કોઈ તકલીફ નથી. દર્દીનું સેમ્પલ સરકારની ગાઈડલાઈન મુજબ જીનોમ સિકવન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું છે.
પાંચમાંથી ચાર મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા
શહેરમાં અત્યાર સુધી નોંધાયેલા કેસમાં પાંડેસરાની 40 વર્ષીય મહિલા, જે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ સિવિલમાં ઓક્સિજન સપોર્ટ સાથે સારવાર હેઠળ છે. તેમના પરિવારના બે સભ્યોને હાલ કોઈ લક્ષણો જણાયા નથી. વેસુના 73 વર્ષીય પુરુષ કેન્સરની સારવાર હેઠળ છે. તેઓ 23 મેના રોજ મુંબઈથી સારવાર લઈને સુરત પરત ફર્યા હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના નજીકના સંપર્કમાં આવેલા એક પરિવારના સભ્યને હાલ કોઈ તકલીફ નથી. ગત 23 મેના રોજ નોંધાયેલા બે કેસ, જેમાં 27 વર્ષીય અને 25 વર્ષીય મહિલા રેસિડેન્ટ તબીબનો સમાવેશ થાય છે, તેમને સિવિલ હોસ્પિટલમાંથી સાજા થયા બાદ રજા આપી દેવામાં આવી છે.