
Pahalgam Terror Attack: પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાને સતત ચોથા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી પૂંછ અને કુપવાડામાં ગોળીબાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પણ જવાબ આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનની સેનાએ રવિવાર અને સોમવાર મોડી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
ભારતીય સેનાએ આપ્યો જવાબ
પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ ભારતીય સેના એક્શનમાં છે. ભારતે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ કડક પગલા ભર્યા છે. ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીને ઠાર મારવામાં આવ્યા હતા પરંતુ આ વચ્ચે પણ પાકિસ્તાન પોતાની હરકતો બંધ કરતું નથી. પાકિસ્તાની સેનાએ પૂંછ અને કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પારથી કોઇ ઉકસાવા વગર ફાયરિંગ કર્યું હતું, તેને સ્મૉલ આર્મ્સથી ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને સતત ચોથી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
આ પહેલા પાકિસ્તાને 26 અને 27 એપ્રિલની રાત્રે તુતમારી ગલી અને રામપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ કેટલાક પગલા ભર્યા છે જેમાં ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે જેની પાકિસ્તાન પર અસર પડી છે. અટારી-વાઘા બોર્ડરને પણ બંધ કરવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પહેલગામ હુમલા બાદ એક્શનમાં ભારતીય સેના
ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલામાં શંકાસ્પદ આદિલ ગુરીનું ઘર ઉડાવી દીધુ હતું. આદિલ ગુરી 2018માં પાકિસ્તાન ગયો હતો. મળતી માહિતી અનુસાર તેને પાકિસ્તાનમાં આતંકની ટ્રેનિંગ પણ લીધી હતી. જમ્મુ કાશ્મીર તંત્રએ આતંકી આસિફ શેખના ઘર પર બુલડોઝર ફેરવ્યું હતું અને તેના ઘરને તોડી પાડ્યું હતું.