
ભારતની આસ્થાનું પ્રતિક મહાકુંભ મેળાનો આજે 16મો દિવસ છે. આવતીકાલે અમાસ નિમિત્તે ત્રીજુ શાહી સ્નાન યોજાશે, જેમાં ભાગ લેવા લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. સંગમથી 20 કિમી સુધી ચક્કાજામ થયો છે. રસ્તાઓ, ગલીઓ માનવ મહેરામણથી ઉભરાઈ છે. શ્રદ્ધાળુઓ પોલીસ દ્વારા ઉભા કરવામાં આવેલા બેરિકેડિંગ તોડી પ્રવેશી રહ્યા છે.
શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે લોકો પાર્કિંગ તથા છેક સ્ટેશનથી સંગમ સુધી પગપાળા આવવા મજબૂર બન્યા છે. પોલીસે ભીડને કાબૂમાં લેવા વિવિધ સ્થળોએ બેરિકેડ ઉભા કર્યા હતાં. જો કે, ભીડ તેને તોડીને પ્રવેશ લઈ રહી છે. સંગમથી 20 કિમી સુધીનો રસ્તો જામ થઈ ગયો છે.
સુરક્ષા કર્મીઓની ઈમરજન્સી બેઠક
અમાસના શાહી સ્નાન પહેલાં જ લાખોની સંખ્યામાં ઉમટી પડેલી ભીડમાં અવ્યવસ્થા અને અરાજકતાં ન સર્જાય તે હેતુ સાથે કમિશનરે તમામ વિભાગોના અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. ડીએમ, સીઆરપીએફ, આઈટીબીપી, પોલીસ, રેલવે પોલીસ વગેરે વિભાગોના અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત કરવા આદેશ અપાયો છે.
એઆઈ કેમેરાથી દેખરેખ
મેળામાં સુરક્ષા કર્મીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કેમેરા મારફત દેખરેખ રાખી રહ્યા છે. તેમજ શ્રદ્ધાળુઓને કાર મારફત પ્રયાગરાજ ન આવવા અપીલ થઈ છે. લોકોને પગપાળા શાહી સ્નાનમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. જેથી અવ્યવસ્થા ન સર્જાય. મહાકુંભના મેળામાં 45 કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનો અંદાજ છે.
અલાહાબાદ હાઈકોર્ટ બંધ
મૌની અમાસના શાહી સ્નાન કારણે ઉમટી પડેલી ભીડને ધ્યાનમાં રાખતાં અલાહાબાદ હાઈકોર્ટે 28થી 30 જાન્યુઆરી સુધી રજા જાહેર કરી છે. રજિસ્ટ્રાર જનરલ રાજીવ ભારતીના નોટિફિકેશન અનુસાર, આ રજા માત્ર પ્રયાગરાજ સ્થિત હાઈકોર્ટ માટે જ છે. તેના સ્થાને તે 17 મે, અને 23 ઓગસ્ટના રોજ ચાલુ રહેશે. કેટની પ્રયાગરાજ સ્થિત ઓફિસ પણ 28થી 30 જાન્યુઆરી સુધી બંધ રહેશે. તેના સ્થાને તે 5, 26 એપ્રિલ અને 3 મેના રોજ કામ કરશે.