
મંગળવારે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળ દ્વારા કરાયેલ ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા હતા, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટના અંગે કડક પ્રતિક્રિયા આપવા સાથે શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવીને ઔપચારિક વિરોધ વ્યક્ત કર્યો છે.
આ કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવતા MEA એ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક કરાઈકલ બંદરથી માછીમારી કરવા ગયેલા 13 ભારતીય માછીમારોની શ્રીલંકાના નૌકાદળ દ્વારા દરિયાઈ સરહદ પાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની માહિતી પણ મળી હતી.
જણાવી દઈએ કે, માછીમારોનું જૂથ પરુથી થુરાઈ નજીક માછીમારી કરી રહ્યું હતું એ દરમિયાન શ્રીલંકન નૌકાદળની પેટ્રોલિંગ બોટ દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. શ્રીલંકાના નૌકાદળે દરિયાઈ સરહદ પાર કરવા બદલ એક માછીમારી બોટ અને 13 માછીમારોની ધરપકડ કરી હતી. માછીમારો બોટને તમિલનાડુ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે શ્રીલંકાના નૌકાદળે કથિત રીતે ગોળીબાર કર્યો હતો. જેમાં એક માછીમારને પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા માછીમારને કોઈ વસ્તુ વાગવાથી ઈજા થઈ હતી. ધરપકડ કરાયેલા માછીમારોને કાંગેસંથુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, 13 ઘાયલ માછીમારોમાંથી હાલમાં બે જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જહાજ પરના ત્રણ વધુ માછીમારોને નાની ઇજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાફનામાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓએ ઘાયલ માછીમારોને મળીને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.