
દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા આમ આદમી પાર્ટીએ તેના તમામ 70 ઉમેદવારોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. કેજરીવાલના ઘરે આ બેઠક યોજાવાની છે. ઓપરેશન લોટસના આરોપો વચ્ચે કેજરીવાલે આ બેઠક બોલાવી છે. જણાવી દઈએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે આવવાના છે, આવી સ્થિતિમાં રાજકીય ગતિવિધિ સતત તેજ છે.
મત ગણતરી પહેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું હતું કે, પરિણામો પહેલા દિલ્હીમાં ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું છે. એવો આરોપ મૂક્યો કે, આમ આદમી પાર્ટીના સાત ધારાસભ્યોને 15 કરોડ રૂપિયાની ઓફર કરતા ફોન આવવા લાગ્યા છે.
કેજરીવાલે એક્ઝિટ પોલ પર ઉઠાવ્યા સવાલ
અરવિંદ કેજરીવાલે એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ગાળો બોલનારી પાર્ટીને 55થી વધુ બેઠકો મળી રહી છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે, બે કલાકની અંદર તેમના 16 ઉમેદવારોને ફોન આવ્યા. જેમાં તેમને પાર્ટી છોડવા અને મંત્રી બનાવવાની સાથે 15 કરોડ રૂપિયાની ઓફરનો દાવો કર્યો હતો.
https://twitter.com/ANI/status/1887745302159044815
કેજરીવાલે X પર લખ્યું કે જો તેમની પાર્ટી 55થી વધુ બેઠકો મેળવી રહી છે, તો પછી અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે? કેજરીવાલનો આરોપ છે કે, એક્ઝિટ પોલ સર્વે નકલી છે અને આની મદદથી તેમના ઉમેદવારોને તોડવા માટેનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે શનિવારે દિલ્હી ચૂંટણી માટે મત ગણતરી માટે સુરક્ષા વ્યવસ્થા માટે ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. રાજધાનીમાં 19 સ્થળોએ દરેક વિધાનસભા મતવિસ્તાર માટે કુલ 70 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાનમાં વપરાયેલા EVM અને VVPAT ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચના સુરક્ષા પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં, 24 કલાક ત્રીસ્તરીય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.