
મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપર રાષ્ટ્રગીતનું અપમાનનો આરોપ લગાવીને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને અન્ય વિપક્ષી પક્ષોએ બિહાર વિધાનસભામાં હંગામો મચાવ્યો. સવારે ૧૧ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મુખ્યમંત્રી નીતિશના વિડિયો પર નિશાન સાધતા સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે કહ્યું, 'ભારત રાષ્ટ્રગીતનું અપમાન સહન નહીં કરે'. આ પછી વિપક્ષી ધારાસભ્યો વેલમાં ઉતરીને બબાલ શરૂ કરી.આ દરમિયાન કેટલાક ધારાસભ્યો રિપોર્ટર ટેબલ પર પણ ચઢી ગયા. સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. પહેલા સત્રમાં ગૃહની કાર્યવાહી ફક્ત 8 મિનિટ ચાલી.
ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિપક્ષી ધારાસભ્યોએ વિધાનસભા પોર્ટિકોમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ વિરોધ અને સૂત્રોચ્ચાર પણ કર્યા. તેજસ્વી યાદવ સહિત અન્ય વિપક્ષી સભ્યો હાથમાં પોસ્ટર લઈને વિધાનસભા પહોંચ્યા.
આ પહેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વીએ ગુરુવારે સોશિયલ મીડિયા પર સીએમ નીતિશનો એક વીડિયો શેર કર્યો હતો. આમાં મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત દરમિયાન હલનચલન કરતા, હસતા અને હાથ જોડતા જોવા મળે છે. હવે આ વીડિયોને લઈને વિધાનસભામાં હોબાળો મચી ગયો.
'નીતિશ કુમારે દેશના 140 કરોડ લોકો પાસે માફી માંગવી જોઈએ'
તેજસ્વી યાદવે શુક્રવારે વિધાનસભા પરિસરમાં મિડિયા સાથે વાત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર અમારા કરતા ઉંમરમાં મોટા છે. અમે તેમનો આદર કરીએ છીએ. પરંતુ, જે રીતે આપણા મુખ્યમંત્રીએ રાષ્ટ્રગીતનું અપમાન કર્યું છે, તેનાથી બિહારીઓ તરીકે આપણે શરમ અનુભવીએ છીએ. નીતીશ કુમારે બિહારીઓનું શરમથી માથું ઝુકાવી દીધું. દેશના ઇતિહાસમાં પહેલી વાર કોઈ રાજ્યના મુખ્યમંત્રી રાષ્ટ્રગીતનું અપમાન કરતા જોવા મળ્યા છે. નીતિશ કુમારે દેશના 140 કરોડ લોકો પાસે માફી માંગવી જોઈએ.
વિધાન પરિષદ 10 મિનિટમાં સ્થગિત કરાઈ
બિહાર વિધાન પરિષદની કાર્યવાહી શરૂ થયાના 10 મિનિટમાં જ સ્થગિત કરી દેવામાં આવી. કાઉન્સિલમાં વિપક્ષી સભ્યોએ રમતગમત કાર્યક્રમમાં સીએમ નીતિશ પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ લગાવીને હોબાળો મચાવ્યો. શુક્રવારે આરજેડી એમએલસી સુનીલ કુમાર સિંહે ગૃહમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો. જેને સભાપતિ અવધેશ નારાયણ સિંહે નિયમોની વિરુદ્ધ કહીને નકારી કાઢ્યું હતું.