
લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં સોમવારે (3 ફેબ્રુઆરી, 2025) એ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી કે છેલ્લા 6 વર્ષોમાં દેશમાં બેરોજગારી દર લગભગ 50 ટકા ઘટ્યો છે. રોજગાર અને બેરોજગારી પર સત્તાવાર આંકડા સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (પીએલએફએસ) ના માધ્યમથી એકત્ર કરવામાં આવે છે. સર્વેનો સમયગાળો દર વર્ષે જુલાઈથી જૂન હોય છે.
તાજેતરના રિપોર્ટ અનુસાર 15 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વ્યક્તિઓ માટે સામાન્ય સ્થિતિ પર અંદાજિત બેરોજગારી દર 2017-18માં 6.0% થી ઘટીને 2023-24માં 3.2% થઈ ગયો છે. બેરોજગારી દર ઘટાડવા માટે સરકારની રોજગાર નિર્માણની સાથે-સાથે રોજગાર ક્ષમતામાં સુધારો કરવો જ સરકારની પ્રાથમિકતા છે. તેને ધ્યાનમાં રાખતા વિભિન્ન રોજગાર નિર્માણ યોજનાઓ/કાર્યક્રમોના માધ્યમથી નોકરીની તકો પેદા કરવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે.
મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, ગ્રામીણ સ્વરોજગાર અને તાલીમ સંસ્થાન, સ્ટેન્ડઅપ ઈન્ડિયા, દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટિવ, મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયાનો હેતુ રોજગાર નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.
સરકાર વિભિન્ન યોજનાઓના માધ્યમથી કૌશલ્ય વિકાસ કેન્દ્રો, સ્કુલો, કોલેજો અને સંસ્થાઓ વગેરેના વ્યાપક નેટવર્કના માધ્યમથી સ્કિલ, પુન:કૌશલ્ય અને અપ-કૌશલ્ય તાલીમ આપવા માટે સ્કિલ ઈન્ડિયા મિશન લાગુ કરી રહી છે. આઈટીઆઈના માધ્યમથી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, જન શિક્ષણ સંસ્થાન અને શિલ્પકાર તાલીમ યોજના ચલાવવામાં આવી રહી છે. સિમનો હેતુ ભારતના યુવાનોને ઉદ્યોગ માટે જરૂરી કૌશલ્યની સાથે તૈયાર કરીને તેમને ભવિષ્ય માટે સક્ષમ બનાવવાનો છે.
આ સિવાય, સરકારે બજેટ 2024-25માં 5 વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોની સુવિધા માટે 5 યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં 2 લાખ કરોડ રૂપિયાનો કેન્દ્રીય ખર્ચ સામેલ છે.