
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલમાંથી મોટી રાહત આપવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આવા સંકેતો આપ્યા છે. તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ટોલ સંબંધિત દરેકની 'ફરિયાદો'નો અંત આવવાનો છે. ખાસ વાત એ છે કે 2025ના બજેટમાં સરકારે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ આવકવેરો ન લાદીને મોટી રાહતની જાહેરાત કરી હતી.
લોકોને થતી મુશ્કેલીઓનો અંત આવશે
ગડકરીને ટોલટેક્સમાં રાહત અંગે પૂછતા કહ્યું કે, 'જલ્દીથી મળી જશે, અમારો સર્વે પૂરો થઈ ગયો છે.' અમે ટૂંક સમયમાં એવી સ્કીમ લાવીશું કે, ટોલના કારણે લોકોને થતી મુશ્કેલીઓનો અંત આવશે. જોકે, તેમણે આ અંગે વધુ વિગતવાર માહિતી ન આપી પરંતુ ટુંક સમયમાં એક નવી યોજના લાવી ટોલટેક્સ ખતમ કરવાની વાત કરી.
થોડા દિવસોમાં આ નારાજગી દૂર થઈ જશે
તેમણે કહ્યું, 'મારા ઘણા કાર્ટૂન પણ પ્રકાશિત થાય છે. લોકો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે. ટોલ ટેક્સ અંગે લોકો નારાજ જ છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આવનારા થોડા દિવસોમાં આ નારાજગી દૂર થઈ જશે.
ટોલ કલેક્શનની પદ્ધતિમાં ફેરફારનો પણ સંકેત
કેન્દ્રીય મંત્રીએ ટોલ કલેક્શનની પદ્ધતિમાં ફેરફારનો પણ સંકેત આપ્યો છે. ટોલ ટેક્સ માટે વારંવાર રોકાવા અંગે સવાલ કરાતા કહ્યું કે, ૯૯ ટકા લોકો પાસે ફાસ્ટેગ છે. ક્યાંય રોકાવાની જરૂર રહેશે નહીં. તેમણે સંકેત આપ્યો છે કે ફાસ્ટેગને સેટેલાઈટ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય સરકાર ઘણી નીતિઓ જારી કરશે.