
ભારતીય સેનાએ Operation Sindoor હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. આ સાથે જ ભારતે પહેલગામ આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે. વડાપ્રધાન મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે. પહેલગામ હુમલાના 15 દિવસની અંદર જ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરીને બદલો લીધો છે અને પહેલગામ આતંકી હુમલાના મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવ્યો છે.
PM મોદીએ પહેલગામ હુમલાના 15 દિવસની અંદર જ લીધો બદલો
22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. PM મોદીએ પહેલગામ હુમલા બાદ બિહારમાં એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, એવી સજા મળશે કે કોઇએ કલ્પના પણ કરી નહીં હોય. હવે પાકિસ્તાન અને PoKમાં 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને ભારતે 90થી વધુ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. ભારતના મોસ્ટવોન્ટેડ આતંકી મસૂદ અઝહરના પરિવારના 10 તેમજ નજીકના 4 સભ્યો સહિત 14 લોકોના પણ આ એરસ્ટ્રાઇકમાં મોત થયા છે.
PM મોદીએ જે કહ્યું તે કરી બતાવ્યું
PM નરેન્દ્ર મોદીએ બિહારમાં એક નિવેદન આપ્યુ હતું. આ નિવેદનને આ કાર્યવાહી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકીઓને એવી સજા મળશે જેની કલ્પના પણ નહીં કરી હોય. PM મોદી 24 એપ્રિલે બિહારના મધુબનીમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.આ કાર્યક્રમ પહેલગામ હુમલાના બે દિવસ બાદ યોજાયો હતો. અહીંથી વડાપ્રધાન મોદીએ આતંકીઓને કડક મેસેજ આપ્યો હતો.
દેશ માટે ગર્વની ક્ષણ- ઓપરેશન સિંદૂર પર PM મોદી
પહેલગામ આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપતા ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી હતી. આ Operation Sindoorને લઇને PM મોદીએ કેબિનેટ મંત્રીઓને જાણકારી આપતા સેનાની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે. આ સફળ ઓપરેશન માટે કેબિનેટ મંત્રીઓએ PM મોદીને શુભકામનાઓ પણ પાઠવી હતી.