
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ બાદ સક્રિય થઇ ગયા છે. PM મોદીએ ત્રણ-ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે. વડાપ્રધાન સિવાય યુપીના મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ વાત કરી છે. PM મોદીએ મુખ્યમંત્રી યોગીને શ્રદ્ધાળુઓની રાહત માટે દરેક પગલા ભરવા આદેશ આપ્યા છે.
મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ આવ્યા
મહાકુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભેગા થયા છે. એવામાં સુરક્ષા,સ્વાસ્થ્ય અને સામાન્ય વ્યવસ્થાઓ જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે. વડાપ્રધાને યોગી આદિત્યનાથને રાહત કાર્યો ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે જેથી શ્રદ્ધાળુઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
મહત્ત્વપૂર્ણ છે કે યુપી સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે મહાકુંભ મેળો શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પૂર્ણ થાય. વડાપ્રધાનનો આ સતત પ્રયાસ છે કે તમામ શ્રદ્ધાળુઓને જરૂરી સેવા આપવામાં આવે અને કોઇ અનિચ્છનિય ઘટના ના બને.
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની ભીડ અનિયંત્રિત થઇ
મૌની અમાવસ્યા પર પવિત્ર સ્નાન માટે સંગમ પહોંચેલા શ્રદ્ધાળુઓની ભીડ અનિયંત્રિત થઇ ગઇ હતી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ભાગદોડમાં કેટલાક લોકોના મોતની આશંકા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખતા અખાડાએ મૌની અમાવસ્યા માટે પોતાની પારંપરિક અમૃત સ્નાન કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે. જોકે, ઓફિશિયલ સુત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંતો સાથે વાત કરીને તેમને અમૃત સ્નાન કરાવવાનો આગ્રહ કર્યો છે.મહાકુંભમાં મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓ સંગમ અને અન્ય ઘાટો પર ડુબકી લગાવી રહ્યાં છે.
મહાકુંભ ભાગદોડ પર PM મોદીનું પ્રથમ નિવેદન
મહાકુંભ ભાગદોડ પર PM મોદીએ પોસ્ટ કરતા લખ્યુ- પ્રયાગરાજ મહાકુંભમાં જે દુર્ઘટના થઇ તે અત્યંત દુ:ખદ છે. જે શ્રદ્ધાળુંઓએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. આ સાથે જ હું તમામ ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું. સ્થાનિક તંત્ર પીડિતોની મદદમાં લાગેલું છે. આ ઘટનાને લઇને મે મુખ્યમંત્રી યોગીજી સાથે વાતચીત કરી છે અને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.