
મીરા ભાયંદરમાં જોધપુર સ્વીટ્સના વેપારી સાથે મરાઠી ભાષાને લઈને થયેલી બબાલના વિરોધમાં સમગ્ર મારવાડી સમુદાય ( 36 કોમ) અને વેપારી સંગઠનોએ 3 જુલાઈએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. સવારે 11થી 5 વાગ્યા સુધી બંધ લાગુ કરાયો છે. તમામ વેપારીઓને અપીલ કરાઈ કે તેઓ દુકાન બંધ રાખી આ શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ થાય. મીરા રોડની દુકાનો પર તાળા લટકેલા છે. વેપારીઓ રસ્તા પર છે. કેટલાક લોકોએ વિરોધ દર્શાવતા નારેબાજી પણ કરી હતી. વેપારીઓએ કહ્યું કે આ મામલે સખ્તાઈથી એક્શન લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનને આગળ વધારશે.
મુંબઈના મારવાડી સંગઠનોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આજે આ નિંદનીય ઘટના પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગપતિ સાથે આવું થઈ શકે છે.
મુંબઈના મારવાડી સંગઠનોએ પણ આપ્યો ટેકો
બધા વેપારીઓ ગુરુવારે સવારે 11 વાગ્યે સીમા સ્થિત આઈમાતા ભવન (વાડેર ભવન) ના પરિસરમાં ભેગા થઈને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઓફિસ જઈને આવેદનપત્ર સુપરત કરશે. મીરા-ભાયંદર મેડિકલ એસોસિએશનના સહ-સચિવ ડૉ. દિનેશ ચૌધરીએ કહ્યું, 'અમે કોઈપણ ભાષાનો વિરોધ કરતા નથી, પરંતુ હિંસા અને હુમલાનો સખત વિરોધ કરીએ છીએ.'
શિંદે સેનાએ નિંદા કરી
એક તરફ મીરા રોડ પર મારવાડી વેપારી પર થયેલા હુમલાની ઘટના પર ગુરુવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, તો બીજી તરફ ભાજપ, શિંદે સેનાએ આ ઘટનાની નિંદા કરી છે. હિન્દીભાષી નેતાઓએ મનસે કાર્યકરો દ્વારા ભાષાના નામે થયેલા હુમલાને ખોટું ગણાવ્યું છે. નેતાઓએ કહ્યું કે મરાઠી શીખવું જરૂરી છે, કારણ કે તેનાથી લોકોને ફાયદો થશે, પરંતુ હુમલો કરવો યોગ્ય નથી.
ભાજપે પણ વિરોધ વ્યક્ત કર્યો
ભાજપના ઉપાધ્યક્ષ આચાર્ય પવન ત્રિપાઠીએ કહ્યું કે મરાઠી ભાષા અમારી પ્રાથમિકતા છે, પરંતુ ભાષા ન જાણતા કોઈ પણ વ્યક્તિને માર મારવો એ સંપૂર્ણપણે ખોટું છે. અમે આનો સખત વિરોધ કરી રહ્યા છીએ. મીરા-ભાયંદરમાં 60% થી વધુ હિન્દી ભાષી લોકો રહે છે. કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં. મહારાષ્ટ્રમાં કાયદાનું શાસન છે. માર મારવો યોગ્ય નથી. જ્યાં સુધી મુખ્યમંત્રી ફડણવીસ છે ત્યાં સુધી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.