
Shashi Tharoor On Pahalgam Attack: કોંગ્રેસ નેતા શશિ થરૂરે પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપી છે. શશિ થરૂરે જણાવ્યું હતું કે, મને લાગે છે કે, આ અત્યંત સ્પષ્ટ પેટર્ન છે. લોકોને પ્રોત્સાહિત અને ટ્રેન્ડ કરવામાં આવે છે. હથિયાર આપવામાં આવે છે અને સરહદ પારથી નિર્દેશ આપવામાં આવે છે. બાદમાં પાકિસ્તાન તમામ જવાબદારીઓમાંથી છટકી જાય છે અને અંતે વિદેશી ગુપ્ત એજન્સીઓ સહિત તેની સંડોવણી સાબિત થાય છે.
દેશની માગ, બદલો લો
થરૂરે આગળ કહ્યું કે, સમગ્ર રાષ્ટ્ર આ હુમલાનો બદલો લેવાની માગ કરી રહ્યું છે. કોઈ નથી જાણતું કે, શું થશે, અને ક્યારે થશે, પણ મને વિશ્વાસ છે કે, અમુક કાર્યવાહી થશે. બદલો લેવાશે. સાંસદે સિંધુ જળ સંધિ પર રોક મુદ્દે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, આ નિવેદનો માત્ર લોકોને ભડકાવવા માટે છે. જો લોહી વહેશે, તો સંભવિત છે કે, અમારી તુલનાએ તમારૂ લોહી વધારે વહેશે. પાકિસ્તાન વિરૂદ્ધ અમે કોઈ ષડયંત્ર રચવા માગતા નથી. પરંતુ જો તે આ રીતે ઉશ્કેરશે, તો અમે જવાબ આપવા માટે તૈયાર છીએ.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ પર રોક મુદ્દે નિવેદન આપ્યું હતું કે, 'હું ભારતને કહેવા માગુ છું કે, સિંધુ અમારી છે, અને અમારી રહેશે. જો અમારૂ પાણી રોકવામાં આવ્યું તો લોહીની નદીઓ વહેશે.'
ભારત આકરી કાર્યવાહી કરશે
થરૂરે જણાવ્યું કે, 2016નો ઉરી હુમલો અને 2019ના પુલવામા હુમલા બાદ ભારતે આકરી જવાબી કાર્યવાહી કરી હતી. અને આ વખતના પહલગામ હુમલા બાદ પણ પાકિસ્તાને ભારતની આકરીથી આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઉરી બાદ સરકારે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પુલવામા બાદ બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી બદલો લીધો હતો. આ વખતે આપણને તેનાથી પણ આકરી કાર્યવાહી જોવા મળશે. આપણી પાસે અનેક વિકલ્પો છે.