
Jammu Kashmir Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં સોમવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ હંગામો કર્યો હતો. કુલગામ જિલ્લામાં બે ગુર્જર યુવકોના મોત બાદ સત્તારૂઢ નેશનલ કોન્ફરન્સ અને વિપક્ષ પીડીપીના ધારાસભ્યોએ રસ્તા પર ઉતરી આવેલા પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીને લઈને હંગામો શરૂ કર્યો હતો.
ગૃહમાં ગુર્જર યુવાનોના મોતનો વિરોધ
બન્યું એવું કે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સુરનકોટ વિધાનસભા મતવિસ્તારના અપક્ષ ધારાસભ્ય ચૌધરી મુહમ્મદ અકરમ પોતાની બેઠક પરથી ઉભા થયા અને બે ગુર્જર યુવાનોના મોતનો વિરોધ કરી રહેલી એક મહિલાને લાત મારનાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવા લાગ્યા. અકરમે કહ્યું, 'આ ગંભીર ચિંતાનો વિષય છે, SSP દ્વારા એક મહિલાને લાત મારી દેવામાં આવી હતી. ગૃહે આની નિંદા કરવી જોઈએ.'
નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય પીરઝાદા ફિરોઝ અહેમદે પણ ચૌધરીને ટેકો આપતા કહ્યું કે, 'આ મૃત્યુ કેવી રીતે થયા તેની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના થવી જોઈએ.'
શું છે વિવાદ?
શૌકત અહેમદ બજાદ, તેનો ભાઈ રિયાઝ અહેમદ બજાદ અને મુખ્તાર અહેમદ 13 ફેબ્રુઆરીના રોજ એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે કુલગામ જિલ્લાના અશમુજી ગયા હતા, પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા ન હતા અને ગુમ થઈ ગયા હતા. ત્રણેય મજૂર તરીકે કામ કરતા હતા. બાદમાં રવિવારે શૌકત અહેમદ બજાદનો મૃતદેહ કુલગામના નાળામાંથી મળી આવ્યો હતો, જ્યારે તેના ભાઈ રિયાઝ અહેમદનો મૃતદેહ પણ થોડા દિવસો પહેલા તે જ જગ્યાએથી મળી આવ્યો હતો. તેના પરિવારજનોનો આરોપ છે કે તેમને ટોર્ચર કરીને મારી નાખવામાં આવ્યા છે. પરિવારે આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.
વિરોધીઓએ રવિવારે રાત્રે કુલગામમાં શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રસ્તો રોક્યો હતો અને પોલીસને તપાસ શરૂ કરવાની અને રિયાઝ અહેમદ, શૌકત અહેમદ અને મુખ્તાર અહેમદના હત્યારાઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. આ દરમિયાન પોલીસ અધિકારીએ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું.
મહિલાને લાત મારતા ધારાસભ્યો ગુસ્સે થયા
કુલગામમાં SSPએ મહિલાને લાત મારવાની ઘટના પર અહમદની સાથે તેમની જ પાર્ટીના ધારાસભ્ય નઝીર ગુરેજી પણ ગુસ્સે થયા હતા. તેમણે પૂછ્યું, 'શું પોલીસ અધિકારીઓ માટે કોઈ કાયદો નથી? શું પોલીસ કોઈને ગોળી મારી શકે છે કે ધરપકડ કરી શકે છે? શું પોલીસ માટે કોઈ કાયદો નથી? અમે અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.' આ મામલે કોંગ્રેસ અને પીડીપીના ધારાસભ્યોએ દોષિત પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
DIG આ મામલાની તપાસ કરશે
પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'કુલગામમાં એક પોલીસ અધિકારીના લોકો સાથેના વર્તનને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. અમે ગઈકાલની ઘટના અને અધિકારીની વર્તણૂક અંગેના આક્ષેપોની નોંધ લીધી છે. ડીઆઈજી દક્ષિણ કાશ્મીર તપાસ કરશે અને 10 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.'