
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયે એક અઠવાડિયા કરતા વધુ સમય થઇ ગયો છે. હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત ક્યારે થશે તેની રાહ જોવાઇ રહી છે. માનવામાં આવે છે કે 19 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે અને આ સાથે જ નવી સરકારની રચના પણ થશે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે પ્રવેશ વર્માનું નામ મુખ્યમંત્રીની રેસમાંથી બહાર થઇ શકે છે. સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં ત્રણ નામ સામેલ છે જેમાં નવી દિલ્હી બેઠક પરથી ચૂંટાયેલા પ્રવેશ વર્માનું નામ સામેલ નથી. મહત્ત્વપૂર્ણ છે કે દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકમાંથી ભાજપને સૌથી વધુ 48 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 22 બેઠક મળી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે?
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભાજપ દિલ્હીના મુખ્યમંત્રી માટે મનજિંદર સિંરસા, જિતેન્દ્ર મહાજન અને રેખા ગુપ્તાના નામ પર વિચાર કરી રહી છે. આ ત્રણમાંથી કોઇ એકને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
સુપરવાઇઝરની નિયુક્તિ બાદ ધારાસભ્ય દળની બેઠક
જે રીતે દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરાને લઇને અટકળો લગાવવામાં આવી રહી છે, જનતા આ જાણવા ઉત્સુક છે કે નવો મુખ્યમંત્રી કોણ બનશે? આ વચ્ચે ભાજપ હાઇકમાન્ડ ત્રણ ધારાસભ્યોના નામ પર ચર્ચા કરી રહ્યું છે. માનવામાં આવે છે કે જલદી તેના પર નિર્ણય લેવામાં આવશે અને એક-બે દિવસમાં સુપરવાઇઝરની નિયુક્તિ પણ થઇ જશે. તે બાદ ધારાસભ્ય દળની બેઠક મળશે અને તે બેઠકમાં દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત થશે.
આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણ પર નજર
વર્ષ 2025ના અંતમાં બિહાર વિધાનસભા ચૂંટણી છે. આ સિવાય વર્ષ 2027ની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી છે. એવામાં જે પણ રાજ્યમાં એક બે વર્ષમાં ચૂંટણી યોજાવાની છે તેના પણ સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યાં છે. સાથે જ ક્ષેત્રીય-જાતીય સમીકરણો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
મનજિંદર સિરસાનું નામ કેમ આગળ?
પંજાબને જોતા મનજિંદર સિંહ સિરસાનું નામ આગળ છે. સાથે જ જે રીતે હરિયાણામાં ભાજપે ત્રીજી વખત જીત મેળવીને સરકાર બનાવી છે તેનું પણ ધ્યાન રાખતા સિરસાનું નામ મુખ્યમંત્રીની રેસમાં છે, કારણ કે તે હરિયાણાથી આવે છે.
જીતેન્દ્ર મહાજનનું નામ કેમ આગળ?
દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં બીજુ નામ જીતેન્દ્ર મહાજનનું છે. જીતેન્દ્ર મહાજન આમ આદમીની જેમ રહે છે અને કેટલીક વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. મહાજને સદનની અંદર જે રીતે પોતાની કાર્યશૈલી બતાવી છે તેને કારણે તેમનું નામ પણ ચર્ચામાં છે.
રેખા ગુપ્તાનું નામ કેમ આગળ?
જો ભાજપ દિલ્હીમાં મહિલાને નેતૃત્ત્વ સોપવા માંગે છે તો રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી શકે છે. આ કારણ છે કે તેના નામને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. રેખા ગુપ્તાનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં જે પણ દિલ્હીનો મુખ્યમંત્રી બનશે, અમે બધા એક ટીમની જેમ સાથે કામ કરીશું. મુખ્યમંત્રી કોઇ પણ બને દિલ્હી આગળ વધવુ જોઇએ.