
ગુરુવારે અમદાવાદમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાનું આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બપોરે 1.30 વાગ્યે ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાયો હતો. પ્લેનનો નંબર AI171 છે અને તેમાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરો સવાર હતા. ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ થવાની આ પહેલી ઘટના નથી.
વિશ્વભરમાં વિમાન અકસ્માતોના વિશ્લેષણ બાદ રજૂ કરાયેલ ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશનનો રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં આવા 14 ટકા અકસ્માતો ટેકઓફ દરમિયાન થયા છે. જ્યારે 49 ટકા વિમાન અકસ્માતો લેન્ડિંગ દરમિયાન થયા છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન અકસ્માતનું જોખમ ક્યારે ઓછું થાય છે.
ટેક-ઓફ દરમિયાન કયું જોખમ?
ટેક-ઓફ દરમિયાન વિમાન અકસ્માતોના ઘણા જોખમો છે. પ્રથમ, પક્ષી અથડાવાનું જોખમ છે. જો પક્ષીઓ એન્જિન સાથે અથડાય તો અકસ્માત થઈ શકે છે. આ ઘટના એન્જિનમાં નિષ્ફળતાનું કારણ બની શકે છે. યુએસ એરવેઝ ફ્લાઇટ 1549ના કિસ્સામાં આવું જ બન્યું હતું, જ્યારે પક્ષીઓનું ટોળું વિમાન સાથે અથડાયું હતું.
એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ પણ થઈ શકે છે અને રિકવરી મુશ્કેલ બની જાય છે. ટેકઓફ દરમિયાન રનવે પર પ્લેન સ્લિપ થવાથી અથવા રનવેની નિર્ધારિત લંબાઈ પછી ટેકઓફ થવાથી પણ પ્લેન ક્રેશ થઈ શકે છે. જો ફ્લૅપ્સ, સ્લેટ્સ, બ્રેક્સ અથવા સ્પીડ સેટિંગ્સમાં ખામી હોય તો પણ પ્લેનનું સંતુલન ખોરવાઈ શકે છે અને આ ખામીને કારણે અકસ્માત થઈ શકે છે.
જો પ્લેનનું લોડિંગ બેલેન્સ યોગ્ય ન હોય અથવા વજન વધારે હોય તો પ્લેનને જરૂરી લિફ્ટ મળતી નથી. આવા કિસ્સાઓમાં અકસ્માતનું જોખમ પણ રહે છે. ખરાબ હવામાન પણ ટેક-ઓફ દરમિયાન પ્લેન માટે જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત રનવે બદલાય જવો અથવા કોમ્યુનિકેશનમાં ખામી પણ એક મોટો ખતરો સાબિત થાય છે.
લેન્ડિંગ દરમિયાન વિમાન દુર્ઘટનાનું જોખમ ક્યારે વધુ હોય છે?
વિશ્વમાં બનતા તમામ વિમાન અકસ્માતોમાંથી મોટાભાગના લેન્ડિંગ દરમિયાન થાય છે. તપાસ અહેવાલના આધારે આના માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. પહેલું કારણ હાર્ડ લેન્ડિંગ અથવા બાઉન્સ. જ્યારે વિમાન વધુ પડતા દબાણ સાથે જમીનને સ્પર્શે છે, ત્યારે લેન્ડિંગ ગિયર અને અન્ય ભાગો તૂટવાનું જોખમ રહેલું છે. જો વિમાન રનવેની નિર્ધારિત રેન્જ બહાર ગયા પછી લેન્ડ કરે છે, તો ઓવરરનની આ ઘટના પણ અકસ્માતનું કારણ બની શકે છે. અચાનક દિશા બદલાવાથી લિફ્ટ પણ ઓછી થાય છે અને વિમાન નીચે પડી શકે છે.
ધુમ્મસ, વરસાદ કે હિમવર્ષા જેવી ઓછી વિઝિબિલિટી કિસ્સાઓમાં રનવે સ્પષ્ટ રીતે દેખાતો ન હોય તો પણ અકસ્માતનું જોખમ રહે છે. લેન્ડિંગ મુશ્કેલ બની જાય છે. લેન્ડિંગ વ્હીલ ખુલતું નથી અથવા તૂટી જાય છે તો પણ અકસ્માત થઈ શકે છે. ખોટા એન્ગલથી લેન્ડિંગ અથવા ખૂબ જ ઝડપી કે ધીમી ગતિએ વિમાનનું લેન્ડિંગ કરવું પણ જોખમી છે. રનવે પર અવરોધોની હાજરી અને ઇંધણનો અભાવ પણ મુશ્કેલી વધારી શકે છે.