
ભાજપ સાંસદ બૈજયંત જય પાંડાએ શુક્રવારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સાથે વિમાન યાત્રાની પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી હતી. આ તસવીર સાથે જય પાંડાએ જે કેપ્શન આપ્યું તેના કારણે આ તસવીર વધારે વાઈરલ થઈ રહી છે.
ભાજપ નેતાનું રમૂજી કેપ્શન
થરૂર સાથે ફોટો પોસ્ટ કરતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જય પાંડાએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, 'મારા મિત્ર અને સહયાત્રીએ મને એટલે તોફાની કહ્યો કારણકે, મેં કહ્યું હતું કે, આપણે આખરે એક જ દિશામાં યાત્રા કરી રહ્યા છીએ.'
શશિ થરૂરે આપ્યો જવાબ
પોતાના હસમુખ સ્વભાવના કારણે જાણીતા શશિ થરૂરે તુરંત આનો જવાબ આપ્યો અને સ્પષ્ટીકરણ કરતા લખ્યું કે, 'ફક્ત ભુવનેશ્વરના સાથી યાત્રી! હું કાલે સવારે કલિંકા લિટફેસ્ટને સંબોધિત કરી રહ્યો છું અને તુરંત પરત ફરી રહ્યો છું!!'
ત્રણ દિવસ સુધી ચાલશે કલિંગા લિટ ફેસ્ટિવલ
જણાવી દઈએ કે, કલિંગા લિટરેરી ફેસ્ટિવલ (કેએલએફ)નું 11મું સંસ્કરણ 21 માર્ચે ભુવનેશ્વરમાં શરૂ થયું અને ત્રણ દિવસ સુધી ચાલશે, જેમાં દુનિયાભરના 400 થી વધારે લેખક, બુદ્ધિજીવી અને વિચારક ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં સામેલ થવા શશિ થરૂર ભુવનેશ્વર પહોંચ્યા હતાં.
હાલ, આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી શશિ થરૂર ભાજપ પ્રતિ પોતાના તટસ્થ વલણના કારણે ચર્ચમાં રહ્યા હતાં. થોડાં સમય પહેલાં ભાજપ નેતા અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયૂષ ગોયલ સાથે તેમની તસવીર વાઈરલ થઈ હતી. ત્યારબાદ લોકોએ તેમની ભાજપમાં જવાની અટકળો શરૂ કરી દીધી હતી.
થરૂરે ગોયલ સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો, જેમાં બ્રિટનના વ્યાપાર મંત્રી જોનાથન રેનૉલ્ડ્સ પણ હતાં. તેમણે ફોટા સાથે કેપ્શનમાં લખ્યું, 'બ્રિટનના વ્યાપાર અને વ્યાપાર મંત્રી જોનાથન રેનૉલ્ડ્સ સાથે તેમના ભારતીય સમકક્ષ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલની હાજરીમાં વાતચીત કરીને સારૂં લાગ્યું. લાંબા સમયથી રોકાયેલી એફટીએ વાર્તા ફરી શરૂ થઈ, તેનું હું સ્વાગત કરૂ છું.'